(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારી શ્રી અમિતભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત, મામલતદાર રોશનીબેન સહિતની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના તજજ્ઞો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનૂની સલાહ, સ્વબચાવવિગેરે મુદ્દાઓ પર વિસ્તાર માર્ગદર્શન આપી આઈસીડીએસની યોજનાઓ અંગે પણ માહિતગાર કરાયા હતા.
કિશોરીઓ દ્વારા પણ આઈસીડીએસની યોજનામાંથી મળતા લાભો વિશે તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કિશોરીઓ દ્વારા પોષણના વિષય પર વક્તવ્ય આપી પોષણનો ગરબો પણ રજૂ કર્યો હતો.
કિશોરીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને પૂર્ણાકપનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેલ્ફી પોઈન્ટથી સેલ્ફી અને સિગ્નેચર પોઈન્ટ પર સિંગ્નેચર પણ કરવામાં આવી હતી. વધુમાં તમામ યોજનાકીય સ્ટોલની પણ કિશોરીઓએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસના તમામ ઘટકના સીડીપીઓ મધુબેન, સુદેશાબેન, શારદાબેન મુખ્ય સેવિકા રશ્મિબેન સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
