(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીમાં હોટલ અને બાર સંચાલક દ્વારા પારસલ આપતા હોવાની ઉઠેલી ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર અને એક્સાઇઝ વિભાગની ટીમ દ્વારા દાનહની હોટલો અને બારોમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હોટલ અને બિયર બાર ચલાવનારના લાયસન્સમાં એલ-5 અને એલ-6 લાયસન્સધારકોને દારૂ અને બિયર પાર્સલ આપવાની અનુમતિ મળતી નથી તે છતાં પણ કેટલાક હોટલ અને બાર સંચાલકો દ્વારા બારોબાર પાર્સલ આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન ખેડપા ગામ ખાતે આવેલ વૈલીવુડ હોટલ એન્ડ બાર, વાસોણા ગામના બિન્દ્રાવન બાર અને નરોલી ગામના ફાઈવ થાઉઝન્ડ બાર એન્ડ રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર રીતે ધંધો કરનારા સંચાલકો હોટલ અને બારનો માલ સીધો અન્ય રાજ્યમાં સપ્લાય કરતા હોય છે. જેના સંદર્ભમાં પ્રશાસનને માહિતી મળી હતી કે, કેટલાક હોટલ એન્ડ બાર સંચાલકો તેમનો માલ ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યોમાં સપ્લાય કરી રહ્યા છેજેને ધ્યાનમાં લઈ દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર અને એક્સાઇઝ વિભાગ દ્વારા જિલ્લાની ત્રણ હોટલ અને બારના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, આ હોટલો સિવાય બીજી હોટલો દ્વારા પણ ખુલ્લેઆમ બીજા રાજ્યોમાં ગેરકાયદેસર દારુની સપ્લાય કરવામાં આવે છે જેઓ સામે પણ પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે. પ્રશાસનની કાર્યવાહીના પગલે ગેરકાયદેસર દારુ અને બિયરનો સપ્લાય કરનાર હોટલ સંચાલકો અને બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે.