(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: પદ્મશ્રી ગફુરચાચા કે જેમણે 88 વર્ષ પુરા કરી 89મા વર્ષમાં પ્રવેશ કરે છે. એઓ સિસિકાનાં માનદ સલાહકાર છે. સિસિકાનાં પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ દ્વારા પદ્મશ્રી ગફુરચાચાનો જન્મ દિવસ ઉજવવા માટે સિસિકાનાં હોલમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
એમની નિઃસ્વાર્થ અને અવિરત સમાજ સેવા તથા ઉદ્યોગ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી માટે એમનેસંવત 2020માં ભારતનાં તે વખતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં વરદ હસ્તે પદમશ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં સન્માનિત ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ અન્ય કંપની, સંસ્થામાં ટ્રસ્ટી છે. સિસિકામાં માનદ સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.
સંવત 2006માં એમનાં પરિવાર દ્વારા માં ફાઉન્ડેશન નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્ેશ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે.
આ પ્રસંગે ગાંધીવાદી વલસાડનાં શ્રી નટુભાઈ દેસાઈ, ડો.મિનાક્ષીબેન શેઠ, બ્રહ્મકુમારી રશ્મિબેન, દાનવીર શ્રી પ્રદિપભાઈ દેસાઈનાં ધર્મપત્ની રેખાબેન અને સુમિટો કેમિકલ વાપીનાં વાઈસ ચેરમેન શ્રી પ્રકાશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.
સિસિકાનાં પ્રમુખ અને કારોબારીનાં સભ્યો તથા આમંત્રિત મહેમાનોની વચમાં પદ્મશ્રી ગફુરચાચા દ્વારા કેક કાપી, શાલ ઓઢાવી, પુષ્પગુચ્છ આપી એમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. સિસિકાનાં સભ્યો દ્વારા એમનું આયુષ્ય લાંબુ રહે, સ્વાસ્થ્ય સારું રહે, ખુબ સમાજ સેવાનું કાર્ય કરે એવાં આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પદ્મશ્રી ગફુરચાચા દ્વારા મિટિંગમાં અંતે સ્વરૂચિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.