મહિલા અને પુરૂષ બંને વિભાગમાં સાયલીની એસ.એસ.આર. કોલેજ ચેમ્પિયન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા રમત-ગમત અને યુવા વિભાગના સચિવશ્રી અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઈન્ટર કોલેજ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યં હતું. આ ક્રિકેટ સ્પર્ધામાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ, એસ.એસ.આર. કોલેજ, નર્સિંગ કોલેજ અને શ્રીમતીદેવકીબા મોહનસિંહજી કોલેજના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. સૌપ્રથમ મહિલાઓની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ફાઈનલ મેચ એસ.એસ.આર. કોલેજ અને શ્રીમતી દેવકીબા કોલેજ વચ્ચે રમાઈ હતી. જેમાં એસ.એસ.આર.ની ટીમ વિજેતા અને શ્રીમતી દેવકીબા કોલેજની ટીમ રનર્સઅપ રહેવા પામી હતી. જ્યારે પુરુષોની સ્પર્ધામાં ફાઈનલ મેચ એસ.એસ.આર. કોલેજ અને શ્રીમતી દેવકીબા કોલેજ વચ્ચે રમાઈ હતી, જેમાં પણ એસ.એસ.આર. કોલેજ વિજેતા અને શ્રીમતી દેવકીબા કોલેજની ટીમ રનર્સઅપ રહી હતી.
સ્પર્ધામાં વિજેતા અને રનર્સ અપ પુરૂષ અને મહિલા ટીમને ટ્રોફી અને રમત ઉપયોગી સાહિત્ય આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.