(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગના ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા, નરોલી ખાતે તા.14મી માર્ચ, 2023ના રોજ ઝોન કક્ષાની પ્રશ્નમંચ સ્પર્ધાનું આયોજન પંચાયતના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. જેમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, બી.આર.પી., આચાર્યો, મુખ્ય શિક્ષકો તથા શિક્ષકોએ બાળકો સાથેની પ્રશ્નમંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સૌપ્રથમ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટય કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર શાળા નરોલી અને કેન્દ્ર શાળા ખરડપાડાની પેટા શાળાઓ એમ કુલ 7 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેકશાળામાંથી બે વિદ્યાર્થીઓની ટીમ બનાવી પાંચ રાઉન્ડમાં પ્રશ્નમંચ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાની ફાઈનલ મેચ કેન્દ્ર શાળા ખરડપાડા અને નરોલી શાળાની પેટા શાળા પ્રાથમિક ગુજરાતી શાળા, નવા ફળિયા વચ્ચે યોજાઈ હતી. જેમાં કેન્દ્ર શાળા ખરડપાડા શાળા વિજેતા બની હતી.
પ્રશ્નમંચ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાની ટીમના બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંતમાં ઉપસ્થિત તમામે સુરૂચિ ભોજન લઈ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.