April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

સાયકલ આપણને જીવનમાં ગતિ શીખવે છે એટલે કે સતત અવિરત આગળ વધવાની શીખ આપે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ બેલેન્સ કરી શકે કેમ કે સાઇકલ ચલાવતા જે વ્યક્તિ સમતુલા જાળવી શકતી નથી તે પડી જાય છે અથવા ઘાયલ પણ થઈ શકે છે. પરંતુ જો બેલેન્સ કરતા આવડી જાય તો ગતિ અને પ્રગતિ બંને શક્ય બને

(રાજકુમાર જેઠવા, સિનીયર સબ એડીટર, નવસારી)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.02: દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે. માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ આરોગ્યનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વી થી મંગળ સુધીની વિકાસ યાત્રામાં સાયકલનું મહત્વનું યોગદાન રહેલું છે.
એપ્રિલ ૨૦૧૮માં, યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ ૩ જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ: “સાયકલ જે વિશિષ્ટ, દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને ૨ સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહન માધ્યમ છે.”
એક જમાનો હતો કે સાયકલ જેની પાસે હોય તેને સુખી અને સંપન્ન ગણવામાં આવતા. આપણા વડિલો હંમેશાં કહેતા હોય છે કે અમારા જમાનામાં તો સાયકલ પ્રતિષ્ઠાદર્શક એટલે કે સ્ટેટસ સિમ્બોલ ગણાતી, પરંતુ ધીરેધીરે વિકાસના નામે તેમ જ વધુ ને વધુ આરામદાયક જીવનપ્રાપ્તિની ઇચ્છાઓમાં મનુષ્યજીવનમાંથી ધીરે-ધીરે સાયકલ જેવી ઉત્તમ વસ્તુની બાદબાકી થતી ગઈ અને હવે આટલા વર્ષો પછી અથવા કહો કે અનેક દાયકાઓની આરામદાયક જિંદગી પછી આપણને સમજાયું કે જીવનમાં આરામપ્રાપ્તિના ચક્કરમાં અનેક રોગોને આપણે આમંત્રણ આપી ચૂક્યા છીએ. જેથી હવે કસરતના એક સુરક્ષિત અને સરળ સાધન તરીકે સાયકલને સ્વીકાર્યા વગર છૂટકો નથી. એટલે સાયકલને હવે કસરતના સાધન તરીકે ઘણા લોકોએ સ્વીકારી છે અથવા જીમમાં ટ્રેડમિલના સ્વરૂપમાં તેને સ્વીકારવામાં આવી છે. મનુષ્યને વાસ્તવિકતા અને યોગ્ય તેમજ સારી વસ્તુની કિંમત વહેલી કે મોડી અવશ્ય સમજાય છે.
સાયકલ આપણને જીવનની ઉમદા અને ઉત્તમ ફિલોસોફી સમજાવી જાય છે. આપણે બધાએ સાઇકલ ચલાવી પણ હશે અને સાયકલ ચલાવતા લોકોને જોયા પણ હશે જેના દ્વારા એટલું નિરીક્ષણ તો દરેકે અવશ્ય કર્યું જ હશે કે સાયકલ આપણને જીવનમાં ગતિ શીખવે છે એટલે કે સતત અવિરત આગળ વધવાની શીખ આપે છે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિ બેલેન્સ કરી શકે કેમ કે સાઇકલ ચલાવતા જે વ્યક્તિ સમતુલા જાળવી શકતી નથી તે પડી જાય છે અથવા ઘાયલ પણ થઈ શકે છે. પરંતુ જો બેલેન્સ કરતા આવડી જાય તો ગતિ અને પ્રગતિ બંને શક્ય બને. આમ પણ રોજબરોજની ક્રિયામાં કે દૈનિક જીવનમાં ડગલે ને પગલે સમ્યકતા કે બેલેન્સની આવશ્યકતા રહેતી હોય છે જેમ કે ખોરાક વધુ ખવાય તો તકલીફ અથવા ઓછો ખવાય કે ન ખવાય તો પણ સમસ્યા.
જો શરીરમાં ખોરાક મર્યાદામાં કે પ્રમાણસર જાય તો જ શરીર સ્વસ્થ રહી શકે. જે બીજું કંઈ નહીં પરમિતતા કે સમ્યકતાનો નિયમ સમજાવે છે એટલે કે બેલેન્સ ડાયટની મહત્તા સમજાવે છે. તેવી જ રીતે વધુ ઊંઘ પણ જોખમી અને ઓછી ઊંઘ પણ ખતરનાક પરંતુ સમ્યક નિંદ્રા સંપૂર્ણ સ્વાસ્થ્યની ખાતરી આપે છે. એ જ રીતે સંબંધોમાં વધુ પ્રેમ પણ જોખમી અને ઓછો પ્રેમ પણ અનેક મુશ્કેલીઓનું સર્જન કરે. ટૂંકમાં જીવનમાં ક્ષણે-ક્ષણ દરેક બાબતમાં બેલેન્સ એપ્રોચ અતિ આવશ્યક છે જે બોધ સાયકલ દ્વારા આપણને શીખવા મળે છે.
હવે વિચારો બિઝનેસ હોય, દૈનિક જીવન હોય, સંબંધો હોય, પર્યાવરણ હોય કે અન્ય કોઈપણ બાબત દરેક જગ્યાએ બેલેન્સ એપ્રોચ આવશ્યક છે. જે અસ્તિત્વની મૂળભૂત અનિવાર્ય શરત છે. સાયકલ ચલાવતી વખતે વધુ ઝુકાવ કોઈ એક બાજુએ હોય તો પડવાની ગેરંટી છે. ટૂંકમાં સમગ્ર સંસારમાં સમતુલાનો નિયમ અસ્તિત્વમાં છે. પર્યાવરણમાં પણ સમતુલા આવશ્યક છે આપણે સૌ જાણીએ છીએ કે અતિશય અવિરત વરસાદ હોય કે અસહ્ય ગરમી કે અતિશય ઠંડી તો જીવસૃષ્ટિના અસ્તિત્વ અંગે ઘણા મોટા જોખમો ઊભા થાય. બ્રહ્માંડની દરેક ગતિવિધિમાં કે લગભગ દરેક તત્વોમાં એક શિસ્તબદ્ધ નિયમ જોવા મળે છે જે બીજું કંઈ નહીં સમ્યકતાનું દર્શન કરાવે છે.
સતત ગતિ અને પ્રગતિ – સાયકલ આપણને શીખવે છે કે થાક્યા વગર સંપૂર્ણ ઉત્સાહ સાથે સતત આગળ વધતા રહેવું જોઈએ તો મંઝિલ અવશ્ય પ્રાપ્ત થાય છે.તો જ આજના આ દિનની ઉજવણી વૈજ્ઞાનિક અને સમજણયુક્ત બને.
આ ઉપરાંત સાયકલના બે મોટા ફાયદા છે (૧) આપણને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, હૃદય અને ફેફસાને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓમાં સાયકલ ઉચ્ચ સ્થાન ધરાવે છે. (૨) પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરે છે, જે આજના જમાનાની તાતી જરૂરિયાત છે. વાહનો દ્વારા સતત વધતા પ્રદુષણને અટકાવવાનો જો કોઈ સરળ રસ્તો હોય તો એ જીવનમાં સાયકલનો સ્વીકાર હોય શકે. ટૂંકમાં સાયકલ વ્યક્તિ સમાજ અને પર્યાવરણને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવાનો ખૂબ ઉત્તમ અને સરળ ઉપાય છે તો આવો આજના વિશ્વસાયકલદિને જીવનમાં સાયકલને આમંત્રણ આપીએ.

Related posts

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

ધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્‍યુ

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

Leave a Comment