દમણના પૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલના ઘરે બેન્ડવાજા લઈ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના બ્રાન્ચ મેનેજર અને રિક્વરી ઓફિસર ઈશ્વરભાઈ પટેલ અને તેમની ટીમે ધામા નાંખી પીટેલા ઢોલ
લોકોમાં પેદા થયેલી કુતુહલતાઃ દમણ-દીવ કો-ઓ.બેંકની નવી ગાંધીગીરીથી બેંકના બાકીદારોમાં ફેલાયેલો ફફડાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16: દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકે પોતાના જૂના બાકીદારો પાસેથી બાકીની રકમ વસૂલવા માટે દાદાગીરી નહીં પરંતુ નવી ગાંધીગીરી અપનાવી બાકીદારોના ઘરની બહાર બેન્ડવાજાની સાથે બેંકની ટીમ મોકલી બાકીદારને પોતાનું બાકી દેવું ચૂકવવા પ્રેરિત કરાઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવ કો-ઓપરેટિવ બેંકે પોતાની અભિનવ ગાંધીગીરીનો પ્રયોગ આજે દમણના પૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલ(ખાલપાભાઈ બી. પટેલ)ના નિવાસ સ્થાન ભીમપોરથી કર્યો હતો. બેંકના બ્રાન્ચ મેનેજર અને રિક્વરી ઓફિસર શ્રી ઈશ્વર પટેલ અને તેમની ટીમે કે.બી.પટેલના નિવાસ સ્થાનની બહાર બેન્ડવાજા વાગડી તેમને બેંકનું બાકી દેવું ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.
દમણનાપૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલના ઘરની બહાર બેન્ડવાજાની ધૂન સંભળાતા ગામના લોકો પણ કુતુહલવશ એકત્ર થયા હતા અને બેંક કર્મચારીઓ હાથમાં ખાલપાભાઈ પટેલના નામનું બેનર લઈ દરવાજા ઉપર ઉભા રહ્યા હતા. બેનરમાં મોટા મોટા અક્ષરોથી લખવામાં આવ્યું હતું કે, ‘‘શ્રીમાન ખાલપાભાઈ ભવલાભાઈ પટેલ ભીમપોર નિવાસી, એક્સ. બી.ડી.ઓ. દમણ દ્વારા બેંકની લોન રૂા.1,68,23,370/- ચૂકવવાની બાકી છે. લોનની ભરપાઈ કરવા વિનંતી.”
મળતી માહિતી પ્રમાણે દમણના પૂર્વ બી.ડી.ઓ. અને શિવમ પ્લાસ્ટિકના માલિક ખાલપાભાઈ ભવલાભાઈ પટેલ(કે.બી.પટેલે) 1996માં આ બેંક પાસેથી રૂા.20 લાખની ટર્મ લોન અને રૂા.10 લાખ સીસી લોન કંપની ચલાવવા માટે લીધી હતી. બેંક દ્વારા અનેક વખત લોનની બાકી ચૂકવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમના દ્વારા બાકી રકમની ચૂકવણી નહીં કરાઈ હતી. છેવટે બેંકે આજે ગાંધીગીરીનો નવતર અભિગમ અપનાવી બેન્ડવાજાની સાથે બાકી દેવું ચૂકવવા નિર્ણય લીધો હતો.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના વહીવટદાર શ્રી કરણજીત વાડોદરિયાએ બેંકના બાકીદારોને ઈમાનદારીથી પોતાની બાકી રકમ ચૂકવવા સંદેશ આપ્યો છે અને જો તેઓ બાકી રકમ ચૂકવવા કસૂર કરશે તો તેમના ઘરની બહાર પણ બેન્ડવાજાની ટીમ સાથેબેંકના કર્મીઓ ઘરની બહાર દસ્તક આપશે.