(વર્તમાન પ્રાવહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના દેગામમાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ડીએમએફની ગામની ગ્રાંટ ગામમાં જવાપરવા. પીએચસીનું બાંધકામ, પાણી પુરવઠા, હાઇસ્કૂલની કમ્પાઉન્ડ વોલ ખેતરોના રસ્તા, પશુ દવાખાના સહિતના અનેક પ્રશ્નોની રજૂઆત ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
દેગામમાં ડીડીઓ અને હાલે કલેક્ટરનો હવાલો સંભાળતા શ્રી મતિ પુષ્પલતા, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, પ્રાંત આધિકારી, મામલતદાર, સરપંચ, તલાટી ઉપરાંત ગામના મહિલા અગ્રણી ચેતનાબેન દેસાઇ તથા એરિક ગાંધી, ધર્મેશભાઈ લાડ સહીતનાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભમાં ગામના અગ્રણી અને એપીએમસીના ચેરમેન પરીમલભાઈ દેસાઈએ ડીએમએફની ગામની ગ્રાંટ ગામમાં જ વપરાવી જોઈએ, ખેડૂતોના ખેતરના રસ્તાઓ જર્જરિત હોય ખેડૂતોએ તેની પાછળ દર વર્ષે ખર્ચ કરવો પડતો હોય તેવી સ્થિતિમાં આ રસ્તાઓ પાકા બનાવવા ગામમાં ખાતમુહૂર્ત બાદ શરૂ ન થયેલ પીએચસીનું ઝડપથી બાંધકામ શરૂ કરાવવા ગામની ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઇસ્કૂલની ફરતે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ, ગામમાં પશુ દવાખાનું અને લાયબ્રેરી છે તે કાર્યરત કરાવવા, ગામના ત્રણ જેટલા તળાવોમાં લોકોની સલામતી ઉપરાંત વોક-વે સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી બ્યુટીફીકેશન કરાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. દિપકભાઈ કુબેર દ્વારા કેનાલમાં પ્રદુષિત પાણી છોડવા, એરિક ગાંધીએ ગામના મુખ્યમાર્ગનું નવીનીકરણ થવાનું હોય તે પૂર્વે દમણગંગા યોજનાની પાઇપ લાઇનનું કામ પૂર્ણ કરાવવા ઉપરાંત ટોલટેક્ષ બચાવવા ગામમાંથી પસાર થતી રેતીની ટ્રકોને બંધ કરાવી ટાંકલથી ખારેલ તરફ ડાયવર્ટ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરોક્ત રજૂઆતો સંદર્ભે કલેકટર પુષ્પલતાએ સંબંધિત શાખાના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. બાદમાં તેમણે ગામની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. જ્યારે ટીડીઓ સહિતનો સ્ટાફે ગામના આગેવાનો સાથે કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે હાઇસ્કૂલમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
દેગામની ગ્રામસભામાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં થયેલી રજૂઆતોનું જિલ્લા કલેકટર દ્વારા કેટલા સમયમાં નિરાકરણ લાવવામાં આવશે તે જોવું રહ્યું.
Previous post