(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રેય ઈલેવન ચેમ્પિયન જ્યારે જલારામ ઈલેવન રનર્સઅપ રહેતા બંને ટીમોને રોકડ ઈનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ભરડા જલારામધામ સ્થિત મેદાનમાં યોજાયેલ ઘેજ પ્રીમિયર લીગનું ઉદ્દઘાટન ડો.ભુપેન્દ્રભાઈ પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.ટૂર્નામેન્ટમાં શ્રેય ઈલેવન, જલારામ ઈલેવન, વંશ વોરિયર્સ, ઘેજ વોરિયર્સ, મહાદેવ ઈલેવન, દ્વિતી ઈલેવન એમ છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઈનલમાં જલારામ ઈલેવને નિર્ધારિત આઠ ઓવરમાં 48 રન ફટકાર્યા હતા. જેમાં શ્રેય ઈલેવને માત્ર 5.3 ઓવરમાં જ 54 રન ફટકારતા શ્રેય ઈલેવન ચેમ્પિયન થઈ હતી. ચેમ્પિયન ટીમના કપ્તાન વિરલ પટેલ અને રનર્સઅપ ટીમના વિનોદભાઈને કામદાર નેતા આર.સી.પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ સહિતના મહાનુભવોના હસ્તે ટ્રોફી તેમજ રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. ફાઈનલમાં ધુઆંધાર બેટિંગ કરનાર વિકી પટેલને મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર અજય પટેલ, જ્યારે બેસ્ટ બોલર તરીકે દીપેન પટેલને આપવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટને સફળ બનાવવા ભરડાના દિવ્યેશ પટેલ, રાજુભાઈ એલઆઈસી, નયનભાઈ, ભાવેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. ઈનામ વિતરણના કાર્યક્રમનું સંચાલન ચેતનભાઈ માસ્તર દ્વારા કરવામાં આવ્યું હતું. ભરડા વાડી ફળિયાના યુવા અગ્રણી નયનભાઈ દ્વારા મહાનુભવો પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.