(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.11: ચીખલી તાલુકામાં એક સાથે ત્રણ જેટલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી તકેદારીના પગલાં ભરાયા હતા. જોકે ત્રણેયને સામાન્ય લક્ષણ હોવાથી ઘરે જ આઈસોલેટ કરાયા હતા. અગાઉ પોઝિટિવ આવેલ ચીખલીનો એક દર્દી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હાલે સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના તલાવચોરા ભુદરવાડી ઉપરાંત સમરોલી અને આલીપોર ડેરી ફળિયાની એક મહિલા મળી ત્રણ જેટલા દર્દીઓનો કોરોના આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેયને શરદી ખાંસી જેવા સામાન્ય લક્ષણ હોવાથી ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના અન્ય સભ્યોના પણ તકેદારીના ભાગરૂપે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
હાલના તબક્કે કોરોનાની એન્ટ્રી બાદ તાલુકામાં કોરોનાના સાત જેટલા દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ પૈકી ચીખલીના એક દર્દીને શરદી ખાંસી અને તાવ સહિતના લક્ષણો હોવાથી હાલે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અને હાલે આ દર્દીની તબિયત સુધારા પર હોય રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા આપી દેવામાં આવશે તેવી માહિતી સાંપડીહતી.
તાલુકામાં કોરોનાના દર્દીઓના સામાન્ય લક્ષણો હોવા સાથે કોઈ ગંભીર ન જણાતા તંત્રને રાહત થવા પામી છે. પરંતુ આરોગ્ય વિભાગ અને લોકો દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

