-
દેશની મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને સમાજની છેલ્લી હરોળના લોકોને બેઠા કરવા માટે શિક્ષણને શષા બનાવી સમાજ પરિવર્તનની કરેલી શરૂઆત
-
પ્રદેશમાં ઔદ્યોગિકરણની થયેલી શરૂઆતના સમયે જો તે સમયના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખો કે રાજકીય નેતૃત્વ પાસે દીર્ઘદૃષ્ટિ અને આદિવાસી કલ્યાણની ઈચ્છાશક્તિ હોત તો આજે દાનહનું ભવિષ્ય ખુબ જ અલગ હોત એમાં કોઈ સંદેહ નથી
એક સમયે 80 ટકા આદિવાસી વસતી ધરાવતા દાદરા નગર હવેલીની સ્થિતિ આજે સામાજિક શૈક્ષણિક ઔદ્યોગિક પ્રવાસન સહિતના ક્ષેત્રે એક વિકસિત વિસ્તાર તરીકે થઈ રહી છે. પરંતુ જે તે સમયે પ્રદેશમાં થયેલા આંધળાઔદ્યોગિકરણના કારણે પરપ્રાંતિય કામદારોની આવન-જાવન પ્રદેશમાં સતત વધી છે. હવે મોટાભાગના કામદારો તેમના પરિવાર સાથે દાદરા નગર હવેલીમાં ઠરીઠામ પણ થયા છે અને પ્રદેશના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે. પરંતુ પરપ્રાંતિય કામદારોની સંખ્યા વધવાથી દાદરા નગર હવેલીમાં બહુમતિ વસતી ધરાવતા આદિવાસીઓ લઘુમતિમાં આવી ગયા હોવાની સ્થિતિ છે. જેના કારણે બહુમતિ આદિવાસી વસતીના કારણે મળતા લાભો ઉપર આવતા દિવસોમાં અંકુશ આવવાની પણ સંભાવના નકારાતી નથી.
દાદરા નગર હવેલીમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્યો અને તેમના જીવન-ધોરણમાં કેવો સુધારો આવ્યો તે સંશોધનનો વિષય છે. પરંતુ ઔદ્યોગિકરણના કારણે પ્રદેશના ચોક્કસ રાજકારણીઓ અને તેમના પરિવારની બેસૂમાર સંપત્તિમાં વધારો થયો એ હકીકત છે. પ્રદેશમાં ઔદ્યોગિકરણની થયેલી શરૂઆતના સમયે જો તે સમયના સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખો કે રાજકીય નેતૃત્વ પાસે દીર્ઘદૃષ્ટિ અને આદિવાસી કલ્યાણની ઈચ્છાશક્તિ હોત તો આજે દાદરા નગર હવેલીનું ભવિષ્ય ખુબ જ અલગ હોત એમાં કોઈ નવાઈ નથી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગત તા.4 એપ્રિલ, 2023ના રોજ ડોકમરડી ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમમાં ખુબજ વેદના સાથે કહ્યું હતું કે, જે તે સમયના રાજકીય નેતૃત્વએ 30 વર્ષ પુરૂષાર્થ કર્યો હોત તો આજે દાદરા નગર હવેલીની રોનક બદલાઈ ગઈ હોત અને અત્યાર સુધી 1000 કરતા વધુ ડોક્ટરો દાદરા નગર હવેલીના આદિવાસી પરિવારમાંથી બની શક્યા હોત.
દેશની મોદી સરકાર અને પ્રદેશ પ્રશાસને સમાજની છેલ્લી હરોળના લોકોને બેઠા કરવા માટે શિક્ષણને શષા બનાવ્યું છે. આજે દાદરા નગર હવેલીના લગભગ તમામ આદિવાસી વિસ્તારોમાં અદ્યતન આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે શાળાનું પગથિયું ચડતા પહેલાં જ નાનાં ભૂલકાંઓને આંગણવાડીના સંસાધનમાં મસ્તી કરવાની મજા આવે અને મસ્તીની સાથે સાથે અક્ષરજ્ઞાન તથા બીજી સમજ પણ પ્રાપ્ત થવાથી શાળાના વર્ગખંડમાં પણ તેમને કંટાળો નહીં આવે.
પ્રદેશની આંગણવાડીઓ કે જેમનું નામકરણ નંદઘર તરીકે કરવામાં આવ્યું છે તેમાં નાનાં ભૂલકાંઓના આરોગ્યથી લઈ તેમના સર્વાંગી વિકાસની કાળજી પણ લેવામાં આવે છે. ભરપેટ પૌષ્ટિક નાસ્તો, ભોજન અને રમતની પ્રવૃત્તિથી બાળકનો માનસિક વિકાસ પણ થતો રહે છે. આમ, સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવ્યું છે જેના પરિણામે સમાજને સમૃદ્ધ બનતાં કોઈ રોકી નહીં શકે.
આજે પ્રદેશમાં મેડિકલ કોલેજ, પેરામેડિકલનાઅભ્યાસક્રમો, નર્સિંગ, એન્જિનિયરીંગ કોલેજ, નેશનલ લો યુનિવર્સિટી, ફેશન ડિઝાઈનિંગ સહિતની અનેક સરકારી કોલેજો ધબકી રહી છે. જેમાં પ્રદેશના અનુ.જનજાતિના વિદ્યાર્થીઓ માટે અનામત બેઠકનું પ્રમાણ પણ પ્રદેશની વસતીના ધોરણે રાખવામાં આવેલ છે. જેનો સીધો ફાયદો દાદરા નગર હવેલીના આદિવાસી પરિવારને થઈ રહ્યો છે.
આવતા દિવસોમાં દાદરા નગર હવેલીમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિની નોંધ સમગ્ર દેશ અને વિશ્વને પણ લેવી પડશે એમાં કોઈ શંકા દેખાતી નથી.
એક્સ્ટ્રા કોમેન્ટ
આજે દાનહના લગભગ તમામ મોટાભાગના જમીનદાર આદિવાસીઓ ઔદ્યોગિકરણના કારણે ભૂમિહીન બની ચુક્યા છે અને જે ભૂમિહીન આદિવાસીઓને સરકાર દ્વારા આપવામાં આવેલ જમીન પણ રાજકીય માફિયાઓએ વેચાવી દેતાં આજે તેમની હાલત ખુબ જ કફોડી બની ચુકી છે. મોટાભાગના આદિવાસીઓ અને તેમનો પરિવાર અભણ હોવાથી સોનાના ટૂકડા જેવી જમીન પાણીના ભાવે પડાવી લીધી હતી. જો તે વખતે દાનહમાં શૈક્ષણિક ક્રાંતિ શરૂ થઈ હોત તો આજે આદિવાસીઓની સ્થિતિ ખુબ જ સમૃદ્ધ અને દેશ માટે પણ પ્રેરણાદાયી હોત.