(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિતે સેલવાસમાં માતોશ્રી રમાબાઈ આંબેડકર નગર ખાતે વિશ્વ વિભૂતિ ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, શ્રી સુદર્શન કાબલે સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે શ્રી નટુભાઈ પટેલે જણાવ્યું કે, ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આપણા દેશનું સંવિધાન નહીં બનાવ્યું હોત તો હું કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો બે ટર્મનો સાંસદ બની શક્યો નહોત.
પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ માતોશ્રી રમાબાઈ આંબેડકર નગરથી યુવાનો દ્વારા ‘જય ભીમ’ના નારા સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી જે સમગ્ર સેલવાસ શહેરમાં ફરી હતી. આ અવસરે આશિષ ઠક્કર, સેલવાસ નગરપાલિકા સભ્ય શ્રી સુમનભાઈ પટેલ, શ્રી અવધેશસિંહ છત્રસિંહ ચૌહાણ, શ્રી વિજય પગારે સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.