વર્તમાન ચાલી રહેલા પ્રોજે્કટ અંગે ડી.જી.સી.એલ., જી.આઈ.ડી.સી., હાઈવેના ઉચ્ચ અધિકારી, વી.આઈ.એ.ના હોદ્દેદારો સાથે સમિક્ષા કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.14: વાપીમાં અત્યારે અડધો ડઝનથી પણ વધારે વિવિધ વિકાસ કાર્યોના પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટમાં અડચણરૂપ બાબતોને નિવારવા-ચકાસણી માટે ગાંધીનગરમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચ રિવ્યુ બેઠક યોજાઈ હતી.
ગાંધીનગરમાં યોજાયેલ રિવ્યુ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વાપી-સેલવાસ આર.સી.સી. રોડની કામગીરી 30મે પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સી.ઈ.ટી.પી.થી દમણગંગા દરિયા સુધી પાઈપલાઈન જગ્યાની શોધ, હાલ ચાલી રહેલા વાપીના પ્રોજેક્ટમાં વિજળી, ટેલીફોન, ગેસ લાઈન, મોબાઈલ ટાવરની લાઈનો હટાવીને પુલની કામગીરીને વેગ આપવા જેવી બાબતો સહિત વાપીની ટ્રાફીક સમસ્યાના ઉકેલ દિશામાં ખાસ કરીને હાઈવે ઓવરબ્રિજના ગાળાઓમાં ફેન્સીંગ તોડી પાર્કીંગ સુવિધા ઉભી કરવા જેવા રિવ્યુ બેઠકમાં નિર્ણય લેવાયા હતા. મિટિંગમાં જી.આઈ.ડી.સી. વી.સી.એમ.ડી. ડો.રાહુલ ગુપ્તા, આઈએએસ નરેન્દ્ર ગુપ્તા, મીના તથા વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, નોટી ફાઈડ ચેરમેન સતિષ પટેલ, યોગેશ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, ઉપસ્થિત રહ્યા હતા. નોટીફાઈડ પોલીસ સાથે મળીને વાપીની ટ્રાફિક સમસ્યા ઉકેલશે તેવું મિટિંગમાં નક્કી કરાયું હતું.