(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘સ્વાગત કાર્યક્રમ’ના વીસ વર્ષ પૂર્ણ થતાં નાગરિકો સ્વાગત કાર્યક્રમનો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટની આ બાબતોથી અવગત થાય તે માટે તા.11 એપ્રિલથી તા.29 એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરાશે. જે અંતર્ગત સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમ તેમજ જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમો યોજાશે. જેમાં નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન પત્રકમાં બતાવ્યા મુજબ કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમ તેમજ જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમો યોજાશે. જેમાં ગ્રામ સ્વાગતમાં ગામોના નાગરિકાના વિવિધ પ્રશ્નોની અરજી સ્વીકારવામાં આવશે. જેને સુદ્રઢ બનાવવા માટે વર્ગ-2 કક્ષાના નોડલ અધિકારીની નિમણૂંક કરાશે. તેમજ ગ્રામ સ્વાગતની અરજીઓતાલુકા કાર્યક્રમમાં સમાવેશ કરી નિરાકરણ લવાશે. તાલુકા સ્વાગતમાં ક્લેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, અધિક નિવાસી કલેક્ટરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની તથા વર્ગ-1 સિનિયર અધિકારીની ઉપસ્થિતિમાં આયોજન કરાશે અને અરજદારોને રાજ્ય સરકારની યોજનાની માહિતી આપતા સાહિત્યો/પુસ્તિકાનું વિતરણ પણ કરાશે. જે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં તાલુકા સ્વાગતમાં સ્વીકારાયેલા પ્રશ્નોની સમીક્ષા કરાશે, તાલુકા કક્ષાએ હલ ન થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે, જિલ્લા સ્વાગતના પેન્ડિંગ પ્રશ્નોની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં સમીક્ષા કરાશે. તા.27 એપ્રિલના રોજ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા, તાલુકા સ્વાગત સપ્તાહ દરમિયાન થયેલા પ્રશ્નોના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવશે.
જિલ્લામાં આ સ્વાગત કાર્યક્રમોથી સ્થાનિક કક્ષાએથી લોકો માહિતગાર થાય તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવાશે. જિલ્લા/તાલુકા/ગ્રામ સ્વાગતમાં લેવાયેલા પ્રશ્નોની સ્વાગત પોર્ટલ ઉપર ડેટા એન્ટ્રી કરતા સમયે અરજદારનો મોબાઈલ નંબર ઉમેરવાનો રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા એક-એક નોડલ અધિકારીઓની નિમણૂંકકરાશે જ્યારે જિલ્લા કક્ષાએ નિવાસી અધિક કલેક્ટરની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાશે.