26મી જાન્યુઆરી, ર0રર સુધી વિવિધ ઔદ્યોગિક એકમો અને સંગઠનોને મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવા જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારીએ કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓ જોડે ઘન કચરા વ્યવસ્થાપન ( સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) અંતર્ગત એક બેઠક મળી હતી. જેમાં દાનહના વિકાસ અને આયોજન અધિકારીએ પૂર્વ ભૂમિકા સમજાવી હતી.
આ પ્રસંગે મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા ગ્રામ પંચાયત સોલિડ વેસ્ટ (હેન્ડીલીંગ એન્ડ મેનેજમેન્ટ) બાયલોઝ-2021ની સમજ આપી હતી અને તેમની પાસેથી સલાહ-સૂચનોઆમંત્રિત કરાયા હતા.
આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક એકમો, હોટલ, દુકાનો દ્વારા કચરો જાહેરમાં ફેંકવાની જગ્યાએ તેના વ્યવસ્થિત નિકાલ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે નિર્મિત ઘન કચરા વ્યવસ્થાપન એકમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. કચરાનો જાહેર સ્થળો ઉપર નિકાલ નહી કરવા અને કચરાને કચરા ગાડીમાં જ નાંખવા અપીલ કરી હતી. તદુપરાંત વિવિધ ઔદ્યોગિક કેન્ટીનમાંથી નિકળતા ખોરાકના કચરાથી ખાતરના નિર્માણનું આયોજન પણ સમજાવ્યું હતું.
દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ સંઘપ્રદેશના દ્વિતીય મર્જર દિવસ તા.26મી જાન્યુઆરી, ર0રર સુધી વિવિધ ઔદ્યોગિક એકમો અને સંગઠનોને મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવા અપીલ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશને સ્વચ્છ, સુંદર અને હરિયાળુ બનાવવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા પણ ઘન કચરાના નિકાલનું પ્રબંધન અને પોતાના આજુબાજુના વિસ્તારની સફાઈ માટે પ્રયત્નશીલ બનવા તાકીદ કરી છે.