Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

ડેન્ગ્યુને સામાન્ય તાવ માની સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધી શકેઃ ડો.વિપુલ ગામીત

વલસાડ જિલ્લામાં ૧૦૦૬૮૫ ઘરોમાં મચ્છરોની તપાસ કરતા ૮૬૯૧ ઘરોમાંથી ડેન્ગ્યુના મચ્છરો મળ્યા

ડેન્ગ્યુની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી પરંતુ સારવાર જ એક માત્ર ઉપાય

(ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.૧૫: દર વર્ષે ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૩માં આ રોગની નાબૂદી માટે “Harness partnership to defeat Dengue” (ડેન્ગ્યુને હરાવવા માટે ભાગીદારીનો ઉપયોગ કરો) થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ પણ વધી શકે છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ૫ વર્ષમાં ૫૬૧ દર્દી ડેન્ગ્યુની બિમારીનો ભોગ બન્યા હતા. જો કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુની નાબૂદી માટે અસરકારક કામગીરી કરાતા ચાલુ વર્ષ ૨૦૨૩માં મે મહિના સુધીમાં ડેન્ગ્યુનો એક પણ કેસ જોવા મળ્યો નથી જે જિલ્લા આરોગ્ય તંત્રની સફળ કામગીરીની સિધ્ધિ દર્શાવે છે.
ડેન્ગ્યુનો તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારીનું કારણ બને છે. છેલ્લા ૫ વર્ષમાં મચ્છરજન્ય રોગથી થતા તાવમાં ડેન્ગ્યુનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો કે આ રોગ પ્રત્યે લોકોમાં જનજાગૃતિ હોવી પણ ખૂબ જ જરૂરી છે. ઘણી વાર લોકોને ખબર પણ નથી પડતી કે આ તાવ ચેપજન્ય અને ગંભીર તાવ છે. ડેન્ગ્યુના લક્ષણોમાં સતત તાવ, સાંધા તથા માંસ-પેશીઓમાં દુખાવો, ચામડી ઉપર ચકામા, થાક લાગવો અને ગભરામણ થવી. આ લક્ષણને લોકો સામાન્ય ગણી કાઢે છે જે લાંબા ગાળે હાનિકારક બની શકે છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને સમજ આપી મચ્છર ઉત્પતિના સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
આ અંગે વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડો. વિરેન પટેલે જણાવ્યું કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પી.એચ.સી. અને યુ.પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા કાયમી અને હંગામી બ્રીડીંગ સ્થળ જેવા કે, ટાયરવાળા અને ભંગારવાળા, પ્લાસ્ટીકવાળા, માટલાવાળા અને નર્સરીવાળાને ત્યાં તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ, હવાડા, કુવા, હોજ અને તળાવ સહિતના સ્થળે મચ્છર નાશક કામગીરી કરવામાં આવે છે. આ સિવાય ઘર-સ્કૂલોમાં પણ તપાસ કરવામાં આવે છે. મચ્છરોના નાશ માટે જાન્યુ.થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં જિલ્લામાં ૧૦૦૬૮૫ ઘરોમાં મચ્છરોની તપાસ કરતા ૮૬૯૧ ઘરોમાંથી ડેન્ગ્યુના મચ્છરો મળી આવ્યા હતા. જિલ્લામાં પીપળા, કુંડા, ટાયર અને ફ્રીઝ સહિત ૨૦૫૪૬૯ પાત્રો ચેક કર્યા હતા જેમાંથી ૯૪૨૩માં મચ્છરના પોરા મળતા ૭૨૧૨ પાત્રોમાં ટેમીફોસ પ્રવાહી નાંખવામાં આવ્યુ હતું. આ સિવાય ૨૬૭ જગ્યા પર ફોંગીગ પણ કરવામાં આવ્યું હતું. ડેન્ગ્યુના તાવના નિવારણનો પ્રાથમિક ઉપાય મચ્છરોથી બચવુ એ જ મહત્વનું છે.
ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, ડેન્ગ્યુના તાવની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી. પરંતુ લક્ષણોના આધારે સારવાર આપવામાં આવે છે. તાવ વધુ આવે અને પરિસ્થિતિ વધુ ગંભીર જણાય તો ડોકટર પાસે નિદાન કરાવી લોહીની તપાસ કરવી જરૂરી છે.

ડેન્ગ્યુને કેમ ગંભીર ગણવામાં આવે છે?

વલસાડ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતે જણાવ્યું કે, માદા ચેપી મચ્છર કરડવાથી આ રોગ થાય છે. જેના કારણે માનવ શરીરમાં સફેદ કણ કુલ ૪૦૦૦ થી ૧૧૦૦૦ હોય છે, જે કણ ઘટીને ૧૫૦૦ થઈ જાય તો માનવ શરીરની આંતરિક રકતસ્ત્રાવ થાય છે અને માનવી મૃત્યુ પણ પામે છે. જેથી ડેન્ગ્યુ રોગથી બચવા માટે લોકોને જાગૃત કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય શિબિર આયોજન, પત્રિકા વિતરણ, પોરા નિદર્શન અને પોરાભક્ષક માછલી નિદર્શન જેવા માધ્યમો થકી આ રોગનો ફેલાવો અટકાવવાની કામગીરી કરવામાં આવે છે.

ડેન્ગ્યુ અટકાવવા માટેના ઉપાયો

ઘરની આસપાસ ખાનગી/ કોમન પ્લોટમાં પાણીના ભરાવાને દૂર કરવુ, પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાના વાસણો જેવા કે, કેરબા, માટલા, ડોલ, હોજ જેવી જગ્યાએ આ મચ્છરો ઉત્પન્ન થાય છે. જેથી આવા પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત ઢાંકવુ અથવા કપડાથી બાંધી દેવુ, સંગ્રહેલા પાાણીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો અને ઈંડાના નાશ માટે વાસણના તળિયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીના મોટા હોજ અને ટાંકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહ છે.

છેલ્લા ૫ વર્ષમાં તાલુકાવાર ડેન્ગ્યુના કેસ

Related posts

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

જિલ્લા આગેવાન-વાલીમંડલ કોંગ્રેસ સાથે મળી વલસાડ જિલ્લાની ખાનગી શાળામાં એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવાતી હોવાની શિક્ષણાધિકારીને કરાયેલી રાવ

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

Leave a Comment