તાજેતરમાં સુરત એસીબીના રંગે હાથ રૂા.5 લાખની લાંચ લેતા ઝડપાયેલા મામલતદાર અમિત ઝડફિયાની ઘટના હિમાલયની ટોચ સમાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા એસીબીની ટીમના હાથે લાંચ લેતા ઝડપાયા બાદ મામલતદાર કચેરીનો લાંબા સમયથી ચાલતો ભ્રષ્ટાચાર તાલુકા વાસીઓમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. ઉમરગામ મામલતદાર કચેરીમાં લેવડ-દેવડથી ચાલતા વહીવટના કારણે ઈમાનદાર અરજદારો ન્યાયથી વંચિત રહી ગયા હોય એવા અનેક હુકમ જોવા મળે છે. રેકોર્ડ રૂમની જાળવણી કરનાર અને રેકોર્ડ કાઢી આપનાર સામાન્ય કર્મચારી પણ અરજદારોનું સાંભળતો નથી. અર્થાત ઉપરથી લઈ નીચે સુધીના તમામ કર્મચારીઓ પોતપોતાનો રોટલો શેકવામાં વ્યસ્ત હોય એવો વહીવટ જોવા મળે છે. સર્કલ ઓફિસર પાસે કલેક્ટર કચેરી કે પ્રાંત કચેરીથી તપાસ માટે આવેલી અરજીમાં પહેલા તો ઈરાદાપૂર્વક વિલંબ કરવો અને પાછળથી અરજદારનું નિવેદન લેવું અને રિપોર્ટ તૈયાર કરવા પહેલાં સામા પક્ષનો સંપર્ક કરવો તેમજ રિપોર્ટ કરવામાં ન્યાયસંગત હોય કે નહીં એની પરવા કર્યા વગર વહીવટમાં જે આગળ હોય એની પક્ષમાં રિપોર્ટ કરવામાં આવ્યા હોય એવા અનેક રિપોર્ટો જોવા મળે છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં કરેલા એવા રિપોર્ટની સમીક્ષાકરવાની જરૂર છે. થોડા દિવસ પહેલા મલાવ ખાતેની સર્વે નંબર 64/ 3 ની જમીન માટે આદિવાસી જમીન માલિકે કરેલી અરજી અને એમાં રજૂ કરવામાં આવેલો રિપોર્ટ એમની ઈમાનદારીની ચાડી ખાય છે. આ ઘટનાની ફરિયાદ લોકાયુક્ત સુધી કરવાની તૈયારી ચાલી રહી છે.
ઉમરગામ મામલતદાર તાજેતરમાં રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા એ ઘટના કેવી રીતે આકાર પામી એનું પોસ્ટમોર્ટમ લોક ચર્ચામાં ચાલી રહ્યું છે. ઉમરગામ તાલુકાની પ્રજામાં ચાલતી ચર્ચા મુજબ 7/12 ની નકલ પરથી ગણોતિયાનુ નામ કમી કરવાની એક પક્ષની માંગણી હતી. જ્યારે બીજા પક્ષે ગણોતિયાનું નામ ચાલુ રાખવા માંગણી કરવામાં આવી રહી હતી. બંને પક્ષ મામલતદારના વહીવટ હેઠળ સંમત થયા હતા અને કરેલ માંગણી મુજબ એક પક્ષે વ્યવહાર કર્યો એની જાણકારી મળતા બીજા પક્ષે એના કરતાં ત્રણ ગણો વ્યવહાર કરી દીધો હતો. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રથમ વ્યવહાર કરનાર વ્યક્તિના રૂપિયા વ્યર્થ જવાની પૂરેપૂરી શકયતા હતી. જેથી મામલતદારનો સંપર્ક કરતા એણે વધુ રૂપિયાની માંગણી કરી હતી અને એ રૂપિયા સ્વીકારતા મામલતદાર અમીત ઝડફિયા એસીબીના રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચાર તરીકે નજીકના ભૂતકાળથી અગ્રેસર છે એવુંઅનુમાન લગાવાઈ રહ્યું છે. આ પ્રકારના વહીવટ ઉપર અંકુશ લાવવા સરકારશ્રીએ કડક પગલાં લેવાની જરૂર છે.