વલસાડ જિલ્લા પોલીસના ૧૪૦૦થી વધુ પોલીસ કર્મી અને અધિકારીઓએ સીપીઆર તાલીમની સાથે દેહદાનના પણ સંકલ્પ લીધા
લોકોના જીવ બચાવવા માટે સીપીઆર ટ્રેનિંગ પોલીસ કર્મીઓ માટે ઉપયોગી બનશેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ
મૃત્યુ પછી આપણુ શરીર અન્ય કોઈને ઉપયોગી થાય એનાથી મોટી બીજી કોઈ વાત હોય શકે નહીંઃ પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટની ગુજરાત રાજ્ય શાખા દ્વારા તા. ૧૧ જૂનને રવિવારે રાજ્યની દરેક મેડિકલ કોલેજમાં કોલ્સ અવેરનેસ પ્રોગ્રામ (CPR Training Program)નું આયોજન કરાયું હતું. જે અંતર્ગત રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે પોલીસ કર્મીઓ માટે સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાનું પોલીસ તંત્ર નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સુંદર કામગીરી કરી જ રહી છે પરંતુ સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ વલસાડ જિલ્લા પોલીસ અગ્રેસર રહી છે. જેનું દ્રષ્ટાંત આપણે સૌએ કોરોનાકાળમાં જોયું હતું. પોલીસની જાહેર રસ્તાઓ ઉપર હાજરી હોય છે ત્યારે કોઈ અકસ્માત થાય કે કોઈ બેભાન થઈ જાય તો તેવા સમયે એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી તે વ્યકિતનો જીવ બચાવવું એ પ્રાથમિકતા હોય છે. આ સમયે હાજર પોલીસ સીપીઆર ટ્રેનિંગનો જાણકાર હોય તો જે તે વ્યક્તિનો જીવ બચાવવા માટે ઉપયોગી થઈ શકે છે. વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ડો. રાજદિપસિંહ ઝાલાના અત્યાર સુધીના કાર્યકાળમાં એક પણ ગુનો વણઉકેલ્યો રહ્યો નથી જે બદલ હું તેમને અભિનંદન પાઠવુ છુ. આ સીપીઆર ટ્રેનિંગ આકસ્મિક સંજોગોમાં અન્ય લોકોના જીવ બચાવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ માટે ઉપયોગી બનશે.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આજે રાજ્યમાં આયોજિત સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ વિક્રમ સર્જશે. પોલીસને આ ભગીરથ કાર્યમાં સહભાગી બનાવી તે ખુશીની વાત છે. કોઈપણ બનાવ બને ત્યારે પોલીસ સૌ પ્રથમ સ્થળ પર પહોંચે છે. પોલીસની જવાબદારી માત્ર ગુના ઉકેલવાની જ નથી પરંતુ સમાજને સુખાકારી આપવાની અને સમાજને ઉપયોગી થવાની પણ છે. આ તાલીમ થકી ગુજરાતની પોલીસ આકસ્મિક સંજોગોમાં કોઈનો પણ જીવ બચાવવા માટે મદદરૂપ બનશે એનાથી વિશેષ આનંદ શું હોય શકે. અંગદાનના મહત્વ અંગે એસપી ડો. ઝાલાએ વધુમાં કહ્યું કે, અંગદાન ખૂબ જ મહત્વનું છે. જેના થકી અનેક લોકોની જીંદગી બચાવી શકાય છે. મૃત્યુ પછી આપણુ શરીર અન્ય કોઈને ઉપયોગી થાય એનાથી મોટી બીજી કોઈ વાત હોય શકે નહીં.
અંગદાન જીવનદાન બની શકે તે માટે રાજ્ય વ્યાપી આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ૫૦ હજારથી વધુ જવાનોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. જે માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૫૫૩૩ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસના ૧૪૦૦થી વધુ જવાનોએ સીપીઆરની તાલીમ લીધી હતી અને સાથે દેહદાનનો પણ સંકલ્પ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સોલા સ્થિત GMERS હોસ્પિટલથી રાજ્યના તમામ તાલીમ કાર્યક્રમોને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતું.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કલગામ સ્થિત એસઆરપીના ગૃપ કમાન્ડન્ટ વિજયસિંહ ગુર્જર, સંગઠનના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા સંગઠન મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે, સાઉથ ઝોન સંગઠન આઈટી ઈન્ચાર્જ અને સીપીઆર તાલીમ કાર્યક્રમના દક્ષિણ ગુજરાતના હેડ પારસ દેસાઈ, સંગઠનના ડોકટર સેલના પ્રદેશ પ્રમુખ ડો. બિમલ પટેલ, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.ભાવેશ ગોયાણી, મેડિકલ કોલેજના એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.હાર્દિક પટેલ, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટની વલસાડ સિટી બ્રાંચના ઓફિસ બેરર ડો.ગૌતમ પરીખ, ડીવાયએસપી એ.કે.વર્મા, વાપી ડીવાયએસપી બી.એન.દવે સહિત મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન વલસાડ GMERS મેડિકલ કોલેજના ડીન ડો. કમલેશ શાહે કર્યુ હતું. જ્યારે આભારવિધિ વલસાડ ડી.વાય.એસ.પી આર.ડી.ફળદુએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેડિકલ કોલેજના DNB એનેસ્થેસિયોલોજીના સિનિયર રજિસ્ટ્રાર ડો. મીત મોડિયાએ કર્યુ હતું.