Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વધતા જતા કાર્બનની સામે ઓક્સિજનની પૂર્તિ કરવી હોય તો વૃક્ષારોપણ એક માત્ર વિકલ્પઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૭૫ લાખ વૃક્ષો વાવવા અને ઉછેરવાના સંકલ્પ સાથે રાજ્યભરમાં પર્યાવરણની જાળવણી માટે અભિયાન શરૂ કરનાર મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા વલસાડના તિથલ ખાતે યુનિયન બેંકના સંકુલમાં રાજ્યના નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે. વિશ્વના મોટા દેશો કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે. વિશ્વની ૮૫ ટકા વસ્તી ધરાવતા ૨૦ દેશોએ ભારતને જી-૨૦નું અધ્યક્ષપદ સોંપ્યું છે. ત્યારે આપણા દેશના દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બનની પહેલ કરવામાં આવી છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે વર્ષ ૨૦૦૭માં કલાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઉભુ કર્યુ હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૯માં સોલાર પોલીસી તૈયાર કરી હતી. આજે સૌર ઊર્જામાં ગુજરાત નંબર વન છે. ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધતા જતા કાર્બનની સામે ઓક્સિજનની પૂર્તિ કરવી હોય તો વૃક્ષારોપણ એક માત્ર વિકલ્પ છે. જેથી તમામ લોકોએ વૃક્ષારોપણની પ્રવૃતિમાં સહભાગી થવુ જોઈએ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને માન આપી મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા ચાલો વૃક્ષ વાવીએ, પર્યાવરણનું જતન કરીએ અભિયાન બદલ ચેનલના ડાયરેકટર જિજ્ઞેશ પટેલને તેમના આ ઉમદા કાર્ય બદલ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ ચેનલના ડાયરેકટર જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે, કલાઈમેટ ચેન્જ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા પ્રયાસ પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અગાઉ અંગદાન માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. હવે પર્યાવરણના જતન માટે મીયાવાંકી પ્લાન્ટેશન દ્વારા ૭૫ લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ૭૦ ગામમાં વૃક્ષારોપણ કરાશે જ્યારે ૬ ગામને મંતવ્ય ન્યૂઝ ચેનલે દત્તક લીધા છે. જેમાં ધરમપુર તાલુકાના પાનવા, બરૂમાળ, કપરાડાના માલુગી, દિક્ષલ, પારડીનું ખેરલાવ અને વલસાડનું ચોબડીયા ગામનો સમાવેશ થાય છે. આપણે જેટલો શ્વાસ લઈએ છીએ તેના ત્રીજા ભાગ તરીકે કમસે કમ એક વૃક્ષ રોપવુ જોઈએ. વધુ વૃક્ષો રોપવાની પહેલથી ગુજરાત હરિયાળુ બનશે. આ અવસરે ઉપસ્થિત સૌને વૃક્ષારોપણ અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
યુનિયન બેંકના સુરતના ડેપ્યુટી રીજયોનલ મેનેજર રણજીતકુમાર મિશ્રાએ જણાવ્યું કે, પ્રકૃતિ વગર માણસનું અસ્તિત્વ નથી. વૃક્ષારોપણનું કાર્ય મહાન છે. એક વૃક્ષ ૧૦ પુત્ર સમાન ગણાય છે. દરેક વ્યકિતએ પોતાના જન્મદિને એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લઈ પ્રકૃતિને બચાવવા માટ આગળ આવવું જોઈએ.
આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, તિથલના સરપંચ રાકેશ પટેલ, જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, મંતવ્ય ન્યૂઝના ચેનલ હેડ લોકેશકુમાર, આઉટપુટ હેડ પાર્થ પટેલ, સંવાદદાતા મયુર જોશી, સંગઠનના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે, સાઉથ ઝોન સંગઠન આઈટી ઈન્ચાર્જ પારસ દેસાઈ,તાલુકા સંગઠનના પ્રમુખ કિશોર પટેલ, સંગઠનના કાર્યકર સ્નેહિલ દેસાઈ, તાલુકા મહિલા સંગઠનના મંત્રી અને તિથલ બીચ સફાઈ અભિયાનના મોનીટરીંગ એક્ઝિક્યુટીવ પ્રજ્ઞાબેન પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટર પ્રીતિ પાંડે સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુશી ભંડારીએ કર્યુ હતું.

Related posts

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment