(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય વર્ષ પ્રથમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી ગુરુકુળમાં અભ્યાસ માટે 27 ઋષિકુમારોને આવકાર આપી પ્રવેશ ઉત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ શ્રી જયશંકરભાઈ રાવળે જીવનમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી ગુરુકુળની તેજસ્વી પરંપરાને આગળ વધારતા વાલીઓએ પોતાના સંતાનોને પ્રવેશ અપાવ્યો તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. વર્તમાન સમયમાં શિક્ષણ અને વ્યવહારૂં જગતમાં કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રે સંસ્કૃત ભાષાના વધી રહેલા મહત્ત્વના ઉદાહરણ આપી સંસ્કૃતમાં ઉજ્જવળ ભવિષ્ય વિશે આશા વ્યક્ત કરી હતી. સંસ્કૃત માધ્યમના કારણે વિદ્યાર્થીઓ સરળ-સહજ સંસ્કૃત સંભાષણ કરતા થાય એ બાબત પર ભાર મૂકી સૌને સંસ્કૃતની આબોહવા સમજવા અનુરોધ કર્યો હતો. નૂતન ઋષિકુમારોને મહેમાનોના હસ્તે લેખિની, સ્વાધ્યાયપોથી અને ભગવાખેસ દ્વારા આવકાર અને આશિષ આપવામાં આવ્યા હતા.
સંસ્થાના મહામંત્રી શ્રી રાજેશભાઈ રાણાએ મહાનુભાવોનો પરિચય આપી સૌનું સ્વાગત કર્યું હતું.સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રતાપભાઈ ઠોસરે વિદ્યાલયના આરંભથી મળીને અત્યાર સુધીના વિકાસની ગાથા રજૂ કરી ભવિષ્યમાં સંસ્કૃત મહાવિદ્યાલય શિરમોર બની રહે એવા જાગ્રત પ્રયાસો કર્યાની નેમ વ્યક્ત કરી સૌના સહકારની કામના કરી હતી.
અતિથિ વિશેષ સમાજસેવા અને અગ્રણી ઉદ્યોજક શ્રી કીર્તિભાઈ ત્રિવેદી દ્વારા સંસ્થાની સર્વતોમુખી વિકાસની કામના કરી હંમેશ મુજબના ઉમળકાભર્યા સહકારની હૈયાધારણ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂં સંચાલન શ્રી પરેશભાઈ જાનીએ અને આભાર દર્શન પ્રાચાર્ય શ્રી પાર્થભાઈ ભટ્ટએ કર્યું હતું.
