Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

દાનહમાં છેલ્લા 6-7 વર્ષમાં શૈક્ષણિક, ઔદ્યોગિક, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, મેડિકલ, પ્રવાસન જેવા અનેક ક્ષેત્રોમાં કલ્‍પના બહારનો થયેલો વિકાસ 

દાનહ માટે સાંસદ એવો હોવો જોઈએ જે અનુભવી શિક્ષિત અને છેવાડેના ગરીબ આદિવાસી પ્રત્‍યે સંવેદના રાખતો હોવો જોઈએઃ કોઈપણ એવો વ્‍યક્‍તિ નહીં હોવો જોઈએ જેની પાસે પહોંચતા પહેલાં ‘દરબારીઓ’ની લાઈનમાંથી પસાર થવું પડે 

‘વર્તમાન પ્રવાહ’ દ્વારા લોકસભાની દા.ન.હ. બેઠક માટે 2024ની ચૂંટણીના ઉપલક્ષમાં ચાલી રહેલા સર્વેક્ષણમાં બ્‍યુરો ચીફ શ્રી વિરલસિંહ રાજપૂત દ્વારા દાદરા નગર હવેલીના સમાજસેવી અને રોટરી ક્‍લબમાં છેલ્લા 30 વર્ષથી સતત સક્રિય રહી સેવા આપતા અને રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ 3060માં આસિસ્‍ટન્‍ટ ગવર્નર તથા ડિસ્‍ટ્રીક્‍ટ સેક્રેટરીનો પણ પદભાર સંભાળી ચુકેલા શ્રી યશવંતસિંહ પરમારની મુલાકાત લઈ એમના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો છે.

(1) ચૂંટણીને આપ કઈ રીતે જુઓ છો?

ઉત્તરઃ આજે હું 64 વર્ષની ઉંમરે નિવૃત્ત જીવન જીવું છું, છેલ્લા 6 દાયકામાં મેં એક અલગ અલગ પ્રકારની સરકારો જોઈ છે, તેમજ અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા પણ જોઈ છે.લોકસેવામાં ચૂંટણી એ એક અંતિમ પડાવ પણ કહી શકાય, એટલા માટે કે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને બંધારણમાં રહી લોકસેવા કરવાનો મોકો મળી શકે છે. મારી નજરથી આ એક ઉત્‍સવ છે. લોકશાહીમાં દરેક વ્‍યક્‍તિએ ઉત્‍સાહથી આ ઉત્‍સવમાં ભાગ લેવો જોઈએ.

(2) સમાજસેવક તરીકે મત આપતી વખતે આપ કઈ બાબત ધ્‍યાનમાં લો છો? 

ઉત્તરઃ છેલ્લા કેટલાય વર્ષોથી હું જાહેર જીવન સાથે સંકળાયેલો છું અને સમાજ સેવામાં રોટરી જેવી સંસ્‍થા સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયો છું અને લોકસેવાના કામ કરૂં છું. જેમાં કોઈ પણ પક્ષને મત આપતા પહેલાં એ જરૂરથી જોવામાં આવે છે કે શું ચૂંટાયેલ સરકારનો મુખ્‍ય હેતુ દેશ સર્વપરીનો છે? શું આ સરકારમાં દરેકને સમાન તકો મળી શકશે? શું આ સરકાર સામાજીક સમરસતા પર કામ કરી શકશે? એવા અનેક મુદ્દા જોઈ મતદાન કરવામાં આવે છે.

(3) દા.ન.હ.ની ચૂંટણીઓમાં કયા મુખ્‍ય પરિબળો કામ કરતા હોય છે?

ઉત્તરઃ મારૂં માનવું છે કે દેશના અન્‍ય રાજ્‍યો કરતા દાદરા નગર હવેલીની ચૂંટણી હંમેશા અલગ સ્‍ટાઈલથી જ થતી આવી છે. મોટાભાગે રૂપિયા આપી મત લેવાની પ્રથા છે. જો આ પ્રથા બંધ થાય તો દાદરા નગર હવેલીને  એક સારા અને પ્રજાભિમુખ નેતા મળી શકે છે.

દાદરા નગર હવેલીમાં અલગ અલગ પ્રાંતના લોકો વસે છે. દા.ન.હ.એટલે એક મીની ભારત. જનતા મત આપતી વખતે રાષ્‍ટ્રીય મુદ્દાની સાથે સ્‍થાનિક સમસ્‍યાને ધ્‍યાનમાં રાખતી હોય છે, કારણ કે, દાદરા નગર હવેલીમાં સાંસદ જ રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રદેશનું પ્રતિનિધિત્‍વ કરવા સક્ષમ છે.

દા.ન.હ.માં 2009માં કોઈ રાજકીય પક્ષે નહીં પરંતુ પ્રજા પરિવર્તન લાવી હતી. જ્‍યારે 2019માં વ્‍યક્‍તિ ઉપરથી ભરોસો તુટતા લોકોએ અપક્ષને સમર્થન કર્યું હતું. કારણ કે, અપક્ષ તરીકે ચૂંટાયા બાદ કેન્‍દ્રમાં પ્રદેશનો પક્ષ મજબૂતીથી રજૂ કરી શકશે એવી ધારણાં હતી. જ્‍યારે પેટા ચૂંટણીમાં સહાનુભૂતિનો વાયરો હતો.

દા.ન.હ.ના લોકો મોટાભાગે સ્‍થાનિક મુદ્દાઓ પકડીને મત આપતા હોય છે. અહીં મોટાભાગની વસતી આદિવાસીઓની છે તો અહીં આવેલા ઔદ્યોગિક એકમોમાં સ્‍થાનિકોની ભરતી જેવા મુદ્દા પણ ધ્‍યાનમાં લેતા હોય છે. રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ કેટલા સક્રિય છે અને કેન્‍દ્રની નીતિઓને છેલ્લી વ્‍યક્‍તિ સુધી પહોંચાડવામાં કેટલા સક્ષમ છે એ પરિબળ પણ કામ કરે છે.

આજના ડિજિટલ યુગમાં છેલ્લો વ્‍યક્‍તિ સમાજથી વિખૂટો પડતો જઈ રહ્યો છે. દરેક યોજનાઓના ફોટા અપલોડ થતા હોય છે, પરંતું શું છેવાડાની વ્‍યક્‍તિ સુધી એ યોજના ખરેખર પહોંચી કે નહીં એ મોટો પ્રશ્ન છે અને જે કાર્યકર્તા છેલ્લી વ્‍યક્‍તિ સુધી પહોંચે છે એ સફળ થાય છે.

(4) દાદરા નગરહવેલીની મુખ્‍ય સમસ્‍યાઓ તમારા મતે કઈ કઈ છે?

ઉત્તરઃ દાદરા નગર હવેલીની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીની છે. આજે પણ ઊંડાણના આદિવાસીઓની સ્‍થિતિ ખુબ જ દયનીય છે. ઊંડાણના વિસ્‍તારના ચૂંટાયેલા કેટલાક નેતાઓની પણ આર્થિક સ્‍થિતિ ખુબ જ ખરાબ છે. છતાં હું એવા કેટલાક ચૂંટાયેલા નેતાઓને ઓળખું છું કે જેઓ પોતાના આજુબાજુ શિક્ષણના પ્રસાર માટે પોતાનું ખુબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. તેથી ગરીબી અને રોજગારી પેદા કરવા માટે શિક્ષણને એક અમોઘ શષા બનાવવું પડશે.

(5) દા.ન.હ. એક નાનો પ્રદેશ હોવા છતાં અહીં લગભગ દરેક રાજકીય પક્ષોની સક્રિયતા છે તો એનું શું કારણ? 

ઉત્તરઃ દાદરા નગર હવેલી એક ઔદ્યોગિક હબ પણ બની ચુક્‍યો છે. કેટલાક રાજકીય પક્ષો ફક્‍ત પોતાના લેટરપેડનો ઉપયોગ કરવા માટે સક્રિય છે. કેટલાકને હપ્તાખોરીમાં રસ છે. પરંતુ લગભગ મોટાભાગના રાજકીય પક્ષો અને આગેવાનોને લોકોના કલ્‍યાણમાં તસૂભાર પણ રસ નથી.

પક્ષો વચ્‍ચે મતમતાંતર હોઈ શકે, પરંતુ જ્‍યારે પ્રદેશના હિતની વાત હોય ત્‍યારે તમામ પક્ષોએ એક મંચ ઉપર આવવું જોઈએ, પરંતુ આ ભાવના દાદરા નગર હવેલીના એક પણ રાજકીય પક્ષ કે નેતામાં નથી. એવું મારૂં સ્‍પષ્‍ટ માનવું છે.

(6) દા.ન.હ.ના છેલ્લા દાયકાને આપ કઈ રીતેજુઓ છો?

ઉત્તરઃ દા.ન.હ.ના છેલ્લા 6-7 વર્ષની વાત કરૂં તો આ સમયગાળો અતિશય ગતિશીલ વિકાસના દાયકા રૂપે જોઉં છું, શૈક્ષણિક, ઔદ્યોગિક, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ટર, મેડિકલ જેવા અનેક ક્ષેત્રોમાં આપણાં દરેકની કલ્‍પના બહારનો વિકાસ થયો છે. આવતો દાયકો પણ દાદરા નગર હવેલીનો હશે એવો મારો અતૂટ વિશ્વાસ છે. પરંતુ અહીં સૌથી મોટી વિડંબણા એ છે કે, રાજકીય સત્તાધારી પાર્ટી ઉદાસીન છે. જેના કારણે લોકો અકળામણ અનુભવે છે.

(7) રાજકીય સત્તાધારી પાર્ટી વિશે જરા વધુ સ્‍પષ્‍ટતા કરશો તો વાંચકોને પણ સાચી માહિતી મળી શકશે.

ઉત્તરઃ હાં, રાજકીય સત્તાધારી પાર્ટીમાં દાદરા નગર હવેલીના સાંસદની પાર્ટીનો પણ સમાવેશ થાય છે અને કેન્‍દ્રની સત્તાધારી ભાજપ પણ સામેલ છે. કારણ કે, દાદરા નગર હવેલીમાં શિવસેનાનું કોઈ અસ્‍તિત્‍વ નથી. કોઈ પ્રજાલક્ષી રજૂઆત હજુ સુધી કરાઈ નથી, તેની સામે ભાજપનું નેતૃત્‍વ પણ ઉદાસિન છે. ફક્‍ત અને ફક્‍ત સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સક્રિયતાથી દાદરા નગર હવેલીએ સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. એનો કોઈ ઈન્‍કાર કરી શકે એમ નથી. તેથી  દાદરા નગર હવેલીના વિકાસનો શ્રેય ફક્‍ત અને ફક્‍ત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ફાળે જ જાય છે.

(8) 2024માં કેવો ઉમેદવાર હોવો જોઈએ?

પ્રજાના વિકાસમાં સહભાગી થઈ પોતાનાહિતને બાજુમાં રાખી પ્રજાના કામોને ધ્‍યાનમાં લઈ આગળ વધનાર શિક્ષિત અને અનુભવી હોવો જોઈએ. છેવાડેના ગરીબ આદિવાસી પ્રત્‍યે તેનામાં સંવેદના હોવી જોઈએ. કોઈપણ એવો વ્‍યક્‍તિ નહીં હોવો જોઈએ કે જેની પાસે પહોંચતા પહેલાં દરબારીઓની લાઈનમાંથી પસાર થવું પડે.

પ્રજાને ખુબ જ સરળતાથી મળી શકે અને લોકોની વચ્‍ચે રહે તેવો હોવો જોઈએ.

Related posts

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment