મંગળવારે ફરી યોજાનારી સામાન્યસભામાં સરપંચના ભાવિનો પણ ફેંસલો થશે : તળાવમાંથી માટી ખનન સામે રજૂઆત બાદ 8 જેટલા વોર્ડ સભ્યો દ્વારા સરપંચ અને ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10: નોગામા ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જશવંતભાઈ તલાટી હરિદાસ ખડગેની ઉપસ્થિતમાં યોજાયેલ સામાન્ય સભામાં ઉપસરપંચ વિનોદભાઈ કેશવભાઈ પટેલ સામેની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આઠ જેટલા સભ્યો એમ બે જેટલાએ મતદાન કરતા ઉપસરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ઉપસરપંચે હોદ્દો ગુમાવવાની નોબત આવી હતી.
11-એપ્રિલના મંગળવારના રોજ સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત અંગે પણ ફરીવાર સામાન્ય સભા યોજાનાર હોય સરપંચના ભાવિનો ફેંસલો પણ મંગળવારના રોજ થઈ જશે. અવિશ્વાસની દરખાસ્તને લઈને નોગામા ગામે સ્થાનિક રાજકીય વાતાવરણ ગરમાવા પામ્યું છે. અનેસમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
નોગામા ગામે બ્લોક નંબર 389 અને 1362 માં આવેલ તળાવને ઊંડું કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ખાનગી એજન્સી સાથે કરાર કરી એનઓસી આપવામાં આવી હતી. જેમાં આડેધડ માટી ખનન કરતા અને એક તરફ 50-60 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાતા ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અને આ માટી ખનન સરપંચ-ઉપસરપંચની ખુરશીનો ભોગ લેશે તેવી દહેશત પણ વ્યક્ત કરાઈ રહી હતી.