(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ઓલપાડ,તા.27 : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા નં.319માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ કારગીલ વિજય દિન વિશે શાળાનાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષિકા શ્રીમતી નીમાબેન દારૂવાળાએ વિદ્યાર્થીઓને જાણકારી આપી જણાવ્યું હતું કે, સરહદનાં જવાનો આપણી સુરક્ષા માટે ખૂબ જ કષ્ટ વેઠે છે અને એમની આ ચોક્સાઈ અને શહાદતને કારણે આપણે સૌ સલામતીથી જીવી શકીએ છીએ. એટલે આજનાં દિવસે આપણે સૌએ શહીદોને યાદ કરી વંદન કરીએ.
વીર વંદના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વીર શહીદોનાં જીવન વિશે માહિતી આપવાનો ઉપક્રમ પણ શાળામાં ચાલે છે. જે સંદર્ભે શાળાનાં મુખ્યશિક્ષક શ્રી પ્રકાશભાઈ પરમારે પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્દુલ હમીદનાં જીવન અનેપરાક્રમ વિશે માહિતી રજૂ કરી વિદ્યાર્થીઓને દેશસેવા અંગે પ્રેરણા પૂરી પાડી હતી.