April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીસેલવાસ

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણથી પ્રેરાઈને ફ્રિડમ ફ્રાઈટર શંકરભાઈ પંડયાએ માત્ર 20 વર્ષની વયે આઝાદીની લડતમાં ઝંપલાવ્‍યું: 7 માસ જેલમાં રહ્યા હતા

શંકરભાઈની પત્‍ની ઈન્‍દિરાબેનને રાજ્‍ય સરકાર દ્વારા હાલમાં પણ માસિક રૂા.7 હજાર પેન્‍શન ચૂકવાય છે

આઝાદીની લડત માટે નીકળતા સરઘસમાં માત્ર મગફળી અને ગોળ ખાઈને દિવસ પસાર કર્યા હતાઃ ઈન્‍દિરાબેન પંડયા

ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને ફાનસના અજવાળે બાળકોને ભણાવતા સાથે સ્‍વચ્‍છતાના પાઠ પણ શીખવાડતા હતા

(ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: ‘‘મે આખા દેશમાં ફરીને જોયું છે કે, પૂર્વજોએ ઉત્તરમાંથી અહીં આવી ગામ વસાવ્‍યા છે. તેઓ સાહસિક હતા, પણ આપણે તો કાયર થઈ ગયા છીએ. તેથી તો પાંચ હજાર માઈલથી આવેલા અંગ્રેજો અહીં આપણા પર રાજ કરે છે. આપણે રાજ ચલાવી શકે તેવી બહાદુર પ્રજા પેદા કરવી હોય તો, બાળકોને કેળવણી આપવી એ આપણું કામ છે. ગામડામાં ફરી ફરીને હું બરાબર સમજી ગયો છું કે, જે સરકાર જનતાની દરકાર નથી રાખતી તેને અરજ કરવાનો કંઈ જ અર્થ નથી. સરકાર (અંગ્રેજો) સામે 35કરોડને લડવાનું શું હોય? આંખ કાઢીએ તોયે એ લોકોને ચાલ્‍યા જવું પડે પણ તે કયારે? તાકાત હોય ત્‍યારે…” ઉપરોક્‍ત શબ્‍દો તા.4 મે 1934ના રોજ આપણા દેશના લોખંડી પુરૂષ તરીકે જાણીતા અને અખંડ ભારતના શિલ્‍પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદના ગંભીરા ગામમાં રાત્રિ સભા દરમિયાન પ્રજાને સંબોધીને કહ્યા હતા. આ શબ્‍દોએ દેશમાં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા ઝઝુમી રહેલા નવલોહીયાઓમાં બળ પૂરવાનું કામ કર્યું હતું અને અનેક યુવાનો આઝાદીની ચળવળમાં જુસ્‍સાભેર જોડાયા અને અંગ્રેજોનો જુલમ સહન કરી જેલવાસ ભોગવ્‍યો હતો. જે પૈકી એક વલસાડના અબ્રામાના ધારાનગરમાં રહેતા અને મૂળ બોરસદના ગંભીરા ગામના વતની સ્‍વ. શંકરભાઈ મણીશંકર પંડયા હતા. માત્ર 20 વર્ષની વયે આઝાદીની લડતમાં ઝંપલાવનાર શંકરભાઈની દેશદાઝ માટેની લડતને યાદ કરી તેમની 95 વર્ષીય ધર્મપત્‍ની ઈન્‍દિરાબેનની આંખો આજે પણ અશ્રુઓથી ભીંજાય જાય છે. સ્‍વાતંત્ર્યસેનાની શંકરભાઈ પંડયા આજે હયાત નથી પણ તેમની દેશભક્‍તિ અને ત્‍યાગ-બલિદાનની ભાવના માટે તેમની પત્‍ની ઈન્‍દિરાબેનને દર મહિને રૂા. 7 હજારનું પેન્‍શન ચૂકવી ગુજરાત સરકાર આજીવન તેમનું ઋણ અદા કરી રહી છે.
અંગ્રેજોના અત્‍યાચાર અને ગુલામીમાંથી આપણને કેવી રીતે આઝાદી મળી,કેટલાય લોકોએ પોતાના પ્રાણની આહૂતિ આપી ત્‍યારે આપણને આ મહામૂલી આઝાદી મળી. ત્‍યારે આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્‍વ સમર્પણ કરનાર સ્‍વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્‍યે આપણી લાગણી અને પ્રેમ વ્‍યક્‍ત કરવાનો આઝાદીનો પર્વ સ્‍વતાંત્ર્ય દિન આગામી તા.15મી ઓગસ્‍ટના રોજ આવી રહ્યો છે, ત્‍યારે આ વખતે રાજ્‍ય કક્ષાની ઉજવણી વલસાડના આંગણે થઈ રહી હોવાથી આ પર્વને ઉજવવા માટે જિલ્લાની પ્રજા આનંદ-ઉલ્લાસ સાથે થનગની ઉઠી છે. આ રાષ્‍ટ્રીય પર્વના પ્રસંગે સ્‍વાતંત્ર્યસેનાની શંકરભાઈ પંડયાના ધર્મપત્‍નીએ દેશની આઝાદી માટેની લડતના સંસ્‍મરણો વાગોળતા જણાવ્‍યું હતું કે, મારા લગ્ન 12-13 વર્ષની ઉંમરે શંકર પંડયા સાથે થયા હતા. ત્‍યારે તેમની વય 25 વર્ષની હતી. 1934-35ના સમયની વાત કરુ તો, તે સમયે દેશની આઝાદી માટે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ તેમજ અન્‍ય ક્રાંતિકારીઓ ગામે ગામ ફરી લોકજુવાળ પેદા કરતા હતા. મને બરાબર યાદ છે કે, ત્‍યારે તા. 4 મે 1934ના રોજ સરદાર વલ્લભભાઈની રાત્રિ સભા અમારા ગંભીરા ગામમાં ભરાઈ હતી અને મારા પતિ તેમાં ગયા હતા અને સરદારનું ભાષણ સાંભળી તેમને પણ આઝાદીની લડતમાં સામેલ થવાની પ્રેરણા મળી હતી. વર્ષ 1942માં અંગ્રેજો ભારત છોડો આંદોલન થયું ત્‍યારે મારા પતિ પણ જુસ્‍સાભેરઆંદોલનમાં જોડાયા હતા અને અંગ્રેજોની લાઠીનો માર ખાધો હતો ત્‍યાર બાદ તેમને વડોદરાની સેન્‍ટ્રલ જેલમાં કેદ કરાયા હતા. 1 મહિના બાદ જેલમાંથી નીકળ્‍યા ત્‍યારે પણ દેશભક્‍તિની ભાવના રગેરગમાં હોવાથી ફરી આંદોલનમાં સક્રિયપણે જોડાતા અંગ્રેજોએ ફરી તેમની ધરપકડ કરી બોરસદ નજીક ભાદરણની જેલમાં મોકલી આપ્‍યા હતા, જ્‍યાં 6 માસ સુધી કેદ રહ્યા હતા. કુલ 7 માસના જેલવાસ દરમિયાન અંગ્રેજોએ માત્ર એક વાર મને મળવા દીધી અને તે સમયે અંગ્રેજો દ્વારા કડક ચેકિંગ કરાતું હતું. સાથે કંઈ પણ લઈ જવાની મનાઈ હતી. હું ખાલી હાથે મળવા ગઈ હતી. અંગ્રેજો દ્વારા જેલમાં જે પણ અત્‍યાર ગુજારવામાં આવતો તેનો હરફ સુધ્‍ધા શબ્‍દ પણ મને મારા પતિએ કહ્યો ન હતો. તેઓમાં ગજબની સહનશીલતા હતી.
સરદાર વલ્લભભાઈ કહેતા કે, આઝાદીની લડતમાંસ્ત્રીઓને પણ ભાગીદાર બનાવો.સ્ત્રી-પુરૂષ વચ્‍ચેનો ભેદભાવ બરાબર નથી. તેમના આહ્‌વાનને પગલે આઝાદીની લડત માટે લોક જાગૃતિ ફેલાવવા ગામે ગામ નીકળતા સરઘસમાં હું પણ સામેલ થતી અને ત્‍યારે માત્ર મગફળી અને ગોળ ખાઈને દિવસ પસાર કર્યા હતા. આખરે 15 ઓગસ્‍ટ 1947ના રોજ દેશને આઝાદી મળ્‍યા બાદ પણ તેમની દેશ સેવા ચાલું રહી હતી અને તા.17 મે 2005ના રોજ વલસાડમાં દેહત્‍યાગ કર્યોહતો.
સ્‍વાતંત્ર્યસેનાની શંકરભાઈના દીકરા રમેશભાઈએ કહ્યું કે, મહાત્‍મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને પિતાજી પછાત વિસ્‍તારમાં જઈ ગરીબોના બાળકોને નવડાવતા હતા અને સાથે ગામની સફાઈ કરી સ્‍વચ્‍છતાના પાઠ શીખવતા હતા. ગામની સ્‍કૂલમાં વર્ષ 1972 સુધી આચાર્ય તરીકે રહ્યા હોવાથી રાત્રિ દરમિયાન ફાનસ લઈને પણ અક્ષરજ્ઞાન આપતા હતા. ગરીબોના બાળકોને પહેરવા માટે વષાો ન હોવાથી તેઓ આજીવન માત્ર ખાદીના વષાો પહેરતા અને ફૂલ પેન્‍ટને બદલે ચડ્ડી પહેરતા હતા. તેમના સંતાનમાં અમે બે ભાઈ અને 3 બહેનો મળી કુલ 5 સંતાન છે. જેમાંથી મારા મોટાભાઈ પ્રફૂલભાઈ હયાત નથી.
બોક્ષ મેટર
…અને મારા પિતાજીએ મોદીજીને કહ્યું, છોકરાઓના દફતરનું વજન ઓછું કરાવો
વર્ષ 2005માં ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી વલસાડની મુલાકાતે આવ્‍યા હતા ત્‍યારે સ્‍વાતંત્ર્ય સેનાની શંકરભાઈ પંડયા સાથે મુલાકાત કરી હતી. તે પળને યાદ કરતા તેમના પુત્ર રમેશભાઈ કહે છે કે, મોદીજીએ ત્‍યારે પિતાજીને પૂછ્‍યું હતું કે, કાકા તમારે દેશ માટે કંઈક કહેવું છે, તો ત્‍યારે પિતાજીએ કહ્યું કે, છોકરાઓ દફતરનું વજન ઉંચકી વાંકા વળી ગયા છે. તેમનું વજન ઓછુ કરાવો. આ વાતથી પ્રેરણા મેળવી ત્‍યાર બાદગુજરાતમાં ભાર વિનાનું ભણતર માટે હકારાત્‍મક પ્રયાસ હાથ ધરાયા હતા. પિતાજી હયાત હતા તે દરમિયાન દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, માજી વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈ સહિતના નેતાઓએ તેમની મુલાકાત લઈ દેશભક્‍તિને બિરદાવી હતી.

Related posts

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment