(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દરેક ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી, મારો દેશ’ અંતર્ગત ‘માટીને નમન વીરોને વંદન’ થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીરોને નમન કરતી શિલાફલ્કમ બનાવવામાં આવી છે. ગામના વડીલો, સરપંચો તથા અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ હાથમાં દીવો લઈ વીરોને વંદન કર્યા હતા.
પ્રારંભમાં શિલાફલ્કમના સ્થળની નજીક વૃક્ષારોપણ કરી માટીને નમન અને વીરોને વંદન કરાયું હતું. બાદમાં પંચપ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રપતિની ભાવના ઉજાગર કરી હતી. સરપંચોના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા દેશભરમાં યોજાઈ રહ્યો છે.