(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણની સ્ટેપ અપ સંસ્થાના અધ્યક્ષ અને પ્રદેશના વરિષ્ઠ ભાજપ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2016ના ઓગસ્ટથી લોકોની વિચારવાની શક્તિમાં આવેલું પરિવર્તન આજે આદિવાસી સમાજના સમારંભમાં પણ જોવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના બહુમતિ વક્તાઓએ શિક્ષણનું કરેલું ચિંતન બતાવે છે કે, હવે પ્રદેશ બદલાઈ રહ્યો હોવાનો મત પણ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશના વિકાસમાં આદિવાસી સમાજ પ્રશાસનની સાથે હંમેશા ખભાથી ખભો મેળવી સાથે રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં મેડિકલ, એન્જિનિયરીંગ, લૉ, ફેશન ડિઝાઈનિંગ જેવા અનેક અભ્યાસક્રમો શરૂ કરાવ્યા છે. જેના કારણે પ્રદેશના ગરીબથી ગરીબ વ્યક્તિ પણ ડોક્ટર-એન્જિનિયર બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે યાદ અપાવતા જણાવ્યું હતું કે, 2021માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 15મી નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી હતી. તેમણે મોટી દમણના ઘડિયાળ ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવા આદિવાસી સમાજે કરેલી માંગણીને પ્રશાસકશ્રી સમક્ષ રજૂ કરવાનો ભરોસો આપ્યો હતો.