-
કોઈપણ પ્રદેશ કે રાજ્યના વહીવટકર્તા કેવા હોવા જોઈએ…? તેનું સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પુરૂં પાડેલું ઉદાહરણ
-
દાનહ અને દમણ-દીવમાં પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં થયેલ પરિવર્તન અને બદલાવની હકારાત્મક અસર પ્રદેશમાં ખુબ જ લાંબો સમય સુધી રહેશે
29મી ઓગસ્ટ, 2016થી સાત વર્ષ ક્યારે પસાર થઈ ગયા તેની ખબર જ નહીં પડી. સાત વર્ષમાં આપણું આંગણું, ફળિયું, ગામ અને જિલ્લાની સાથે સાથે પ્રદેશ ક્યારે બદલાઈ ચુક્યો તેની ભનક જ નહીં લાગી. અરે..! દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બે કેન્દ્ર શાસિત પ્રદેશો આંખના પલકારામાં ક્યારે અને કેવી રીતે એક થઈ ગયા તેનું ભાન જ નહીં રહ્યું અને હવે જોતજોતામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ડંકો સમગ્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ વાગી રહ્યો છે તેનો અંદાજ જ નહીં રહ્યો.
છેલ્લા સાતવર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલું પરિવર્તન સહજ અને સરળ રીતે નથી થયું. પરિવર્તન અને બદલાવ પાછળ એક અને માત્ર એક પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને આયોજન શક્તિની સાથે તેમની રાત-દિવસની મહેનત રહી છે. તેમણે સંઘપ્રદેશના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને પણ બતાવ્યું છે કે, કોઈપણ પ્રદેશ કે રાજ્યના વહીવટકર્તા કેવા હોવા જોઈએ…? તેમણે પોતાના સ્નેહ, સમર્પણ અને સખ્તાઈના ત્રિવેણી સંગમથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની ધડમૂળથી કાયાપલટ કરી છે. જે બોલ્યા છે તે કરી બતાવ્યું છે અને વહીવટમાં જ્યાં જરૂર પડી ત્યાં વજ્રથી પણ કઠોર અને મલાઈથી પણ મુલાયમ રહેવાની ભૂમિકા ભજવી છે.
હવે સાત વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવામાં હવે ફક્ત બે દિવસ બાકી રહ્યા છે. 29મી ઓગસ્ટથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આઠમા વર્ષના કાર્યકાળનો મંગળ પ્રારંભ પણ થશે. 28મી ઓગસ્ટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના જન્મ દિવસની પણ ઉજવણી કરશે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે શ્રી પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી. કારણ કે, તેમના કાર્યકાળમાં જે પરિવર્તન અને બદલાવ થયો છે તેની હકારાત્મક અસર દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં ખુબ જ લાંબો સમય સુધી રહેશે એમાંકોઈ સંદેહ નથી.