પાલિકાકર્મીઓ આપણાં સ્વચ્છતા પ્રહરીઃ પ્રશાસકશ્રી હંમેશા છેવાડેના લોકોના કલ્યાણ માટે ચિંતિત રહે છેઃ રાકેશસિંહ ચૌહાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશના કદાવર ભાજપ નેતા શ્રી રાકેશસિંહ ચૌહાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું વિતરણ કર્યું હતું.
સેલવાસ નગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કે જેમાં સફાઈકર્મી, ડમ્પિંગકર્મી, ઘર ઘર કચરો ઉઠાવનારા કર્મી અને પાલિકા સ્ટાફને પૂર્વઅધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે શ્રમયોગી ગણાવી પ્રશાસકશ્રીના જન્મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે વધામણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાલિકાકર્મીઓ આપણાં સ્વચ્છતા પ્રહરી પણ છે અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા સમાજના છેવાડેના લોકોની ચિંતા કરી છે. તેમણે પાલિકા કર્મીઓને પ્રશાસકશ્રીના જન્મ દિવસ નિમિત્તે ધાબળાનું વિતરણ કરવા સાથે શ્રમપ્રસાદ સ્વરૂપે સ્વાદિષ્ટ ભોજન કરાવી સમરસતાનું પણ દૃષ્ટાંત પુરૂં પાડયું હતું.