(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : બુધવારે દમણમાં નારિયેળી પૂર્ણિમાની ઉજવણી આનંદ, ઉત્સાહ સાથે પરંપરાગત રીતે કરવામાં આવી હતી. માછી સમાજ દ્વારા દરિયાદેવની પૂજા સાથે મચ્છીમારી માટે દરિયામાં જવાની તૈયારી પણ કરી હતી. વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે રોજગારી મળી રહે એવા ભાવ સાથે દરિયામાં શ્રીફળ પધરાવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે નારિયેળી પૂર્ણિમાના દિવસે માછીમારોએ પોતાના બોટની પૂજા કરી કરિયાણું, બરફ, જરૂરી સામાન ભરાવીને દરિયામાં મચ્છીમારી માટે જવાની તૈયારી કરી હતી. જમીન પર ખેતીની જેમ માછીમારો દરિયો ખેડીને દરિયાઈ મેવાની ખેતી કરતા હોય છે. ત્યારે નારિયેળી પૂર્ણિમાથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. જેથી શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે.નવ મહિના દરિયા દેવ માછીમારોને સાચવે અને ધંધા-રોજગારી સારા પ્રમાણમાં આપે એ કામના સાથે માછીમારોએ મચ્છીમારી માટે દરિયો ખેડવાની શુભ શરૂઆત કરી છે.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા) તથા માછી સમાજના આગેવાનો અને બોટના માલિકો પણ પૂજાવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.