Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવા દરેક નાગરિક જીએસટી નંબર વાળુ બિલ મેળવી પોતાના અધિકારનો ઉપયોગ કરેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

દરેક નાગરિક બિલ માંગશે તો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન ગણાશે

ગ્રાહકે રૂ. ૨૦૦ કે તેથી વધુ ખરીદીનું બિલ લેતી વેળા જીએસટી નંબર,
બિલની તારીખ અને રકમ ચકાસી લેવી જરૂરી

યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં
૨૫ બિલ અપલોડ કરી શકાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરિકો દ્વારા થતી માલ/સેવાની ખરીદી માટે બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા “મેરા બિલ, મેરા અધિકાર” યોજનાને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપીના વિશાલ મેઘા માર્ટથી ખુલ્લી મુકી હતી. મંત્રીશ્રીએ રૂ. ૨૯૯ની ગ્રીન ટી ખરીદી તેનુ બિલ ઉપસ્થિત સૌની સમક્ષ સરકારની વેબ સાઈટ પર અપલોડ કરી જાહેર જનતાને પણ ખરીદી વખતે પોતાનું બિલ મેળવવા અંગે જાગૃત રહેવા આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩થી લઇને ૧ વર્ષ માટે આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્ય અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણા મંત્રીશ્રી નિર્મલા સીતારામનજી દ્વારા ‘‘વન નેશન, વન ટેક્સ’’ નો સંકલ્પ ચરિતાર્થ થયો છે. સમગ્ર દેશની કર વ્યવસ્થા સુદઢ થઈ છે. જેના પુરાવા રૂપે જે ઈંગ્લેન્ડ દેશ કે જેણે આપણા દેશ પર ૨૦૦ વર્ષ સુધી રાજ કર્યુ હતુ તેનું અર્થતંત્ર છઠ્ઠા ક્રમે છે અને આપણો દેશ વિશ્વનું પાંચમુ સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૩૦ સુધીમાં આપણા દેશને વિશ્વનું સૌથી મોટુ ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવા લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હવે આ સંકલ્પને સાકાર કરવા માટે દરેક ગ્રાહક રૂ. ૨૦૦ કે તેથી વધુ રકમની ખરીદી કરે તો દુકાનદાર, વેપારી કે વિક્રેતા પાસે ચોક્કસ બિલ માંગી પોતાના અધિકારનો ઉપયોગ કરે અને વેપારી પોતે જીએસટી નંબર સાથેનું બિલ ગ્રાહકને આપે એ જરૂરી છે. ગ્રાહકે બિલ લેતી વેળા જીએસટી નંબર, બિલની તારીખ અને રકમ ચકાસી લેવી. બિલની મહતમ રકમ નક્કી કરવામાં આવી નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં ૨૫ બિલ અપલોડ કરી શકાશે. તા. ૦૧/૦૯/૨૦૨૩ અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની ૫ તારીખ સુધી અપલોડ કરી શકાશે. દરેક નાગરિક પોતાના અધિકારનો ઉપયોગ કરી બિલ માંગશે તો દેશના વિકાસમાં દરેક નાગરિકનું મહત્વનું યોગદાન ગણાશે.
મંશ્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી અને વિશ્વભરમાંથી ગુજરાતમાં રોકાણ થયુ અને લોકોને રોજગારી મળતી થઈ આ સિવાય ખેડૂતો અને માછીમારોને ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મુકી જેથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વિશ્વના ૨૦ શક્તિશાળી દેશોના જી-૨૦ના સમૂહની ચેરમેનશીપ પણ મોદીજીના નેતૃત્વમાં ભારતને મળી છે ત્યારે આગામી દિવસોમાં વિશ્વના ૪૦ થી ૫૦ દેશના વડાપ્રધાનો દિલ્હીમાં સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે.
“મેરા બિલ, મેરા અધિકાર” યોજનાના શુભારંભ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, સીજીએસટીના કમિશ્નર નિખિલ મેશ્રામ અને સંયુક્ત કમિશનર શુકલા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બીલ અપલોડ થશે એટલે જે તે વેપારી ટેક્સ ભરે છે કે નહી તેની પણ ચકાસણી થશેઃ મંત્રી કનુભાઈ દેસાઈ

પત્રકાર પરિષદમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રાહકને બિલ આપવુ એ દરેક વેપારીની ફરજ છે અને ગ્રાહકનો અધિકાર છે. બિલનો આધાર હોય તો ગ્રાહક વસ્તુની ગુણવત્તા મામલે ફરિયાદ પણ કરી શકે. બીલ અપલોડ થશે એટલે જે તે વેપારી ટેક્સ ભરે છે કે નહી તેની પણ ચકાસણી થશે. જેને પગલે જે ટેક્સ ચોરીને પણ રોકી શકાશે. આ યોજના દરેક નાગરિક સુધી પહોંચે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. ગુજરાતમાં જીએસટી ટ્રીબ્યુનલ બનાવવા જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવાયો છે. જેની તૈયારીના ભાગરૂપે એક નિવૃત જજ સહિત બે ની નિમણૂક કરાઈ છે.

રૂ. ૧૦ હજારથી લઈને રૂ. ૧ કરોડ સુધીના ઈનામો મળી શકશે

લોકોને પ્રોત્સાહન મળે તે માટે આ યોજના હેઠળ પુરસ્કાર અંગેની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, માસિક અને ત્રિમાસિક ડ્રો કરી માતબર રકમના પુરસ્કાર એનાયત કરાશે. જે અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ રૂ. ૩૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. જે મુજબ દર મહિને ૮૦૦ નાગરિકોને રૂ. ૧૦ હજારના પુરસ્કાર આપવામાં આવશે જે માટે વાર્ષિક રૂ. ૧૦ કરોડ, દર મહિને ૧૦ નાગરિકોને રૂ. ૧૦ લાખના પુરસ્કાર માટે વાર્ષિક રૂ. ૧૨ કરોડ અને દર ત્રણ મહિને ૨ નાગરિકને રૂ. ૧ કરોડના પુરસ્કાર માટે વાર્ષિક રૂ. ૮ કરોડ મળી કુલ રૂ. ૩૦ કરોડની ફાળવણી કરાઈ છે. આ કુલ રકમ વર્ષ દરમિયાન કુલ ૯૭૨૮ નાગરિકોને ઈનામ માટે ફાળવવામાં આવી છે.

કયા પ્રકારના બિલને આ યોજના માટે માન્ય ગણાશે?

જીએસટી કાયદા અન્વયે ખરીદવામાં આવેલી વસ્તુઓ/સેવાઓના સંબંધમાં રજિસ્ટર્ડ સપ્લાયર દ્વારા અનરજિસ્ટર્ડ વ્યકિતને આપવામાં આવેલા બધા જ B2C (બિઝનેસ ટુ કન્ઝ્યુમર્સ)ને લાગુ પડશે. જીએસટી કાયદાના દાયરામાં સમાવિષ્ટ ન થતી વસ્તુઓ/સેવાઓ જેમ કે, પેટ્રોલ, ડિઝલ અને લીકર, સીએનજી/પીએનજી, નિકાસ(Export) અને માફી માલની વસ્તુઓ/સેવાઓના બિલને આ યોજના લાગુ પડશે નહી. GSTN દ્વારા બિલ આપનાર વેપારીની વિગતોની ખરાઈ કરવામાં આવશે અને ખોટા અથવા કાર્યરત ન હોય તેવા GST નંબર ધરાવતા બિલને ડ્રો માટે અમાન્ય ગણવામાં આવશે.

આ યોજનામાં કઈ રીતે ભાગ લઈ શકાશે?

આ યોજનામાં ભાગ લેવા માટે “મેરા બિલ, મેરા અધિકાર” નામની એપ્લિકેશન એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે અથવા ઓનલાઈન વેબ પોર્ટલ https://uat.merabill.gst.gov.in મારફતે પણ ગ્રાહકો આ યોજનામાં ભાગ લઇ શકશે. એપ ડાઉનલોડ કર્યા બાદ / ઓનલાઈન વેબ પોર્ટલ પર નામ, મોબાઈલ નંબર વગેરે જેવી સામાન્ય વિગતો ભરીને ફક્ત એક વાર રજિસ્ટર થવાનું રહેશે. ગ્રાહકના મોબાઈલ નંબરને માન્યતા આપવા માટે એક વાર ઓટીપી આવશે. એક વાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ મુખ્ય સ્ક્રીન પર ગ્રાહક દ્વારા બિલને ૩ રીતે અપલોડ કરી શકાશે. ૧. કેમેરાની મદદથી, (૨) ગેલેરીમાંથી પસંદ કરીને અને (૩) બિલની પીડીએફ અપલોડ કરીને. બિલ અપલોડ થતાની સાથે જ આપમેળે જરૂરી વિગત જેવી કે, તારીખ, જીએસટી નંબર, બિલ નંબર, બિલની રકમ, કઈ રીતે પેમેન્ટ કરવામાં આવ્યું છે તે ભરાઈ જશે. તદઉપરાંત તમામ વિગતો ગ્રાહક પોતે પણ ભરી શકશે. બિલ અપલોડ કરવાની સરળ સમજૂતી માટે એપ્લિકેશન અને વેબ પોર્ટલ પર વીડિયો પણ મુકવામાં આવ્યો છે.

ડ્રો કઈ રીતે કરવામાં આવશે?

GSTN તથા DGTS (Directorate General of Taxpayer Services) એક બીજા સાથે સમન્વય કરી ડ્રો માટે લોટની પસંદગી કરી રેન્ડમ ડ્રો કરશે અને વિજેતાઓની પસંદગી કરશે. રૂ. ૧૦ હજાર સુધીના પુરસ્કાર માટે અન્ય કોઈ ખરાઈ કરવામાં આવશે નહીં પરંતુ રૂ. ૧ કરોડ તથા રૂ. ૧૦ લાખના પુરસ્કારનું વિતરણ યોગ્ય ખરાઈ બાદ કરવામાં આવશે.

ઈનામની રકમ કઈ રીતે આપવામાં આવશે?

શરૂઆતમાં પુરસ્કારની રકમ GSTN દ્વારા વિતરિત કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્ય તથા કેન્દ્ર સરકાર પોતાને ભાગે આવતી રકમ GSTNને આપશે. ત્યાર બાદ રાજ્ય સ્તરે પુરસ્કાર વિતરણની વ્યવસ્થાની પ્રણાલી સ્થાપિત થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર વિતરણ કરવામાં આવશે તેમાં કેન્દ્ર સરકારને ભાગે આવતી રકમ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને હસ્તાંતરિત કરશે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈઃ તા.4-5 નવેમ્‍બરે પ્રશિક્ષણ વર્ગ યોજશે

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

દીવ ન.પા.ના બે મહિલા કાઉન્‍સિલરોનો નિખાલસ એકરાર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ સહિત દમણ અને દાનહની પોતાના દિકરા જેવી લીધેલી માવજત

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment