October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

ખાનગી હોસ્પિટલોએ રૂ. ૧૬ લાખ સુધીનો ખર્ચ કહ્યો હતો પરંતુ ગુજરાત સરકારની સંદર્ભ કાર્ડ યોજનાથી નિઃશૂલ્ક ઓપરેશન થતા પરિવારને રાહત થઈ

અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ૪ તબીબોની ટીમે પાંચ કલાક સુધી ઓપરેશન કરી બાળકીને નવુ જીવન આપ્યું

આવાબાઈ હાઈસ્કૂલમાં આરબીએસકેના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં બાળકીમાં બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ સારવારનું નિદાન થયું

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૪: વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં ધો.૪માં અભ્યાસ કરતી બાળકી વારંવાર બિમાર રહેતી હતી. એક દિવસ શાળા આરોગ્ય તપાસણી માટે આરબીએસકે (રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમે શાળામાં આવી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરતા આ બાળકીનું સમયસર નિદાન થતા ગુજરાત સરકારની સંદર્ભ કાર્ડ યોજનાથી બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટનું નિઃશુલ્ક ઓપરેશન કરી બાળકીને સ્વસ્થ જીવન આપવામાં સફળતા મળી છે.
વલસાડ તાલુકાના અંજલાવ ગાડરીયા ગામમાં દેવી ચોકી ફળિયા ખાતે રહેતા ટેમ્પો ડ્રાઈવર પિતા પંકજભાઈ કરશનભાઈ પટેલની ૧૦ વર્ષીય દીકરી કેની ધો. ૪ માં આવાબાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે RBSK TEAM VSVAM – 554 દ્વારા તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી ત્યારે કેનીમાં કમજોરી જણાઈ હતી, જેથી શાળાના શિક્ષક અને પરિવારને પૂછતા મેજર થેલેસેમિયા હોવાનું જણાતા આરબીએસકેની ટીમે બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવુ પડશે એમ જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. દીકરીની સારવાર માટે પરિવારે સૌ પ્રથમ વલસાડ અને ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ધક્કા ખાધા ત્યારે ખાનગી તબીબો દ્વારા આ ઓપરેશન અને સારવાર માટે રૂ. ૧૬ લાખનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. જે રકમનો ખર્ચ સાંભળી સામાન્ય પરિવારના ટેમ્પો ડ્રાઈવર પિતા મૂંઝવણમાં મુકાયા હતા કે આટલી મોટી રકમ ક્યાંથી લાવવી? આ સંકટની ઘડી દરમિયાન આરબીએસકેની ટીમે ગુજરાત સરકારની શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ વિશે કેનીના પરિવાજનોને માહિતી આપી દીકરીની તકલીફ વિશે સમજાવી સઘન તપાસ અને સારવાર માટે ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, અમદાવાદ હોસ્પિટલ ખાતે મોકલવા જણાવ્યું હતું. જે માટે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલના માર્ગદર્શન હેઠળ સંદર્ભ કાર્ડ બનાવી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા પરંતુ કોવિડ – ૧૯ ની અસરના કારણે બાળકીની સારવારમાં વિલંબ થયો હતો. આખરે તા. ૨૨ મે ૨૦૨૩ના રોજ RBSK TEAM VSVAM – 554ના સહકાર અને વાલીની જાગૃત્તાથી કેનીનું અમદાવાદ હોસ્પિટલમાં તેની મોટી બહેન અંશીમાંથી બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન ચાર તબીબોની ટીમ દ્વારા પાંચ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૩ અને તા. ૨૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ આરબીએસકેની ટીમ દ્વારા કેનીનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યુ તેમાં તે સ્વસ્થ જણાઈ હતી. હવે કેની અન્ય બાળકોની જેમ રમી પણ શકે છે. હાલ સારવારના કારણે સ્કૂલમાંથી ડ્રોપ લીધુ છે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ આગળનું ભણતર પણ પુરુ કરી શકશે.

પહેલા દર ૧૫ દિવસે લોહી ચઢાવવુ પડતુ, પીવાનું પાણી પણ કૂકરમાં ૮ સીટી સુધી ઉકાળીને આપવુ પડતુઃ દાદા

કેનીના દાદા કરસનભાઈ પટેલે જણાવ્યું કે, કેનીમાં બોન મેરો ટ્રાન્સ્પલાન્ટની વાત સાંભળી ચિંતામાં મુકાયા હતા કારણે કે, બોન મેરો મેચ થવુ મુશ્કેલ હોય છે પરંતુ અમારા કેસમાં ભગવાનની કૃપા હોય એમ ધો. ૮માં આવાબાઈ સ્કૂલમાં ભણતી કેનીની મોટી બહેન ૧૩ વર્ષીય અંશી સાથે કેનીના બોન મેરો મેચ થતા ડોનરની ચિંતા દૂર થઈ હતી. ત્યારબાદ પ્લેટલેટ માટે બી પોઝિટિવ બ્લડ ગૃપના ૨૦ ડોનર અમદાવાદમાં મદદરૂપે આવ્યા હતા. જેથી આ ચિંતા પણ હળવી થઈ હતી. પહેલા કેનીને પીવાનું પાણી કૂકરમાં ૮ સીટી વાગે ત્યાં સુધી ઉકાળીને આપવુ પડતુ હતું. વાતાવરણ બદલાય તો તરત તાવ આવતો, વારેઘડીએ લોહી ઓછુ થઈ જતુ, દર ૧૫ દિવસે બે બોટલ લોહી ચઢાવવુ પડતુ, ખોરાકમાં કાળજી રાખવી પડતી હતી. પરંતુ હવે બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ બાદ નોર્મલ પાણી પીવા આપીએ છે. હિમોગ્લોબીન પણ વધી રહ્યું છે અને લોહી પણ ૬ માસમાં માત્ર બે વાર ચઢાવવુ પડ્યું છે. હાલમાં દર અઠવાડીયે પ્લેટલેટની તપાસી કરાવીએ છે. ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન તો ફ્રીમાં થયુ જ પરંતુ અમદાવાદ સુધી આવવા-જવા માટે બસ અને ટ્રેનની ટીકીટમાં પણ રાહત આપવામાં આવે છે. મારી પૌત્રીના નવા જીવન માટે અમે ગુજરાત સરકાર અને આરબીએસકે ટીમનો આભાર માનીએ છે.

કેનીના પહેલા ૪૦૦૦ પ્લેટલેટ હતા જે હવે વધીને ૩૮૦૦૦ થયા: ડો. કેયુર પટેલ

વલસાડ આરબીએસકેના મેડિકલ ઓફિસર ડો. કેયુર પટેલે જણાવ્યું કે, બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ ન કરવામાં આવે તો શરીરમાં લોહી બનતુ નથી, કોઈપણ ચેપ જલદીથી લાગી શકે, હાફ ચઢવુ, પ્લેટલેટ ઓછા થવા, હિમોગ્લોબીન ઓછુ રહેવુ, વજન ન વધવુ, હાર્ટ રેટ વધુ રહે અને શારીરિક નબળાઈ રહેવી જેના કારણે દર્દી સ્વસ્થ જીવન જીવી શકે નહીં. આયુષ્ય પણ અંદાજે ૨૫ થી ૩૦ વર્ષ સુધીનું હોય છે. ઉપરોક્ત વિવિધ લક્ષણો કેનીમાં જોવા મળ્યા હતા. ઓપરેશન બાદ કેનીના છાતીના ભાગે નળી મુકવામાં આવી છે. બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ પહેલા કેનીના પ્લેટલેટ ૪૦૦૦ હતા જે બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ બાદ અત્યારે ૩૮૦૦૦ થયા છે. ૫૦૦૦૦ પ્લેટલેટ થશે એટલે કેનીના શરીરમાંથી નળી કાઢી નંખાશે.

 

સંદર્ભ કાર્ડનો લાભ કોને અને કેવી રીતે મળી શકે?

– આ યોજનાનો લાભ નવજાત બાળકથી લઈને ૧૮ વર્ષ સુધીના સગીરને મળી શકે છે.
– આ માટે વાલીની આવક મર્યાદાનો કોઈ બાધ નથી.
– હોસ્પિટલમાં ઓપરેશન અને સારવાર ખર્ચ અંગે પણ કોઈ મર્યાદા નથી
– લાભાર્થી મૂળ ગુજરાતના રહીશ હોવા જોઈએ
– ગુજરાત બહારના લાભાર્થી હોય તો છેલ્લા ૫ વર્ષથી ગુજરાતના સ્થાનિક રહીશ હોવાનો મામલતદારનો દાખલો રજૂ કરવો
– સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેમજ અભ્યાસ નહીં કરતા હોય તેવાને પણ લાભ મળી શકે છે
– બિમારીનું નિદાન થાય ત્યાર બાદ જ આ યોજના હેઠળ આરોગ્ય ખાતામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ બની શકે છે
– સંદર્ભ કાર્ડ માટે રેશન કાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ બોનોફાઈડ સર્ટિ., બાળક આંગણવાડીમાં હોય તો તેનો દાખલો રજૂ કરવો
– જન્મજાત બાળકના પગ વળી જવા, કપાયેલા હોઠ અને તાળવા સહિતની વિવિધ બિમારીની સારવાર સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ
– કિડની, કેન્સર, કોકલીયર ઈમ્પ્લાન્ટ અને હ્રદયને લગતી મેજર બિમારીની સારવાર અમદાવાદ ખાતે ઉપલબ્ધ

Related posts

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

vartmanpravah

વાપી નાનીતંબાડીના મહિલા સરપંચ લાંચ પ્રકરણમાં સસ્‍પેન્‍ડ કરાયા : એસીબી 5 હજારની લાંચ લેતા ઝડપ્‍યા હતા

vartmanpravah

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

અમદાવાદ એલસીબીએ રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચીખલીમાં મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલા રીઢા ચોરોને દબોચી લીધા

vartmanpravah

Leave a Comment