Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

(… ગતાંકથી ચાલુ)
હવે પોર્ટુગીઝોએ પોતાની નજર સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ (યુનો) તરફ દોડાવી. અત્‍યાર સુધી તો તેણે સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘનું સભ્‍યપદ પણ લીધું ન હતું, કે તેના પ્રમુખ ડૉ. સાલાઝારે એ દિશામાં કોઈ પ્રયત્‍ન પણ કર્યો ન હતો. એ માટેનું એક મહત્ત્વનું કારણ એ હતું કે યુનોની વસાહતવાદ બાબતની ભૂમિકા ડૉ. સાલાઝારને માન્‍ય ન હતી. પરંતુ હવેની બદલાયેલી પરિસ્‍થિતિમાં તેમણે પોતાની નીતિ અંગે પુનર્વિચાર કર્યો. આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કરવા માટે યુનોના સભ્‍ય હોવું એ પહેલી શરત હતી. તેથી પોર્ટુગલે યુનોનું સભ્‍યપદ મેળવવા તનતોડ પ્રયત્‍નો કર્યા અને તે મેળવી પણ લીધું. આમાં વિશેષ ઉલ્લેખ કરવા જેવી બાબત એ રહી કે આ સભ્‍યપદ મેળવવા માટે ભારતે જ અનુમોદન આપ્‍યું હતું. જો કે એ વાત પાછળથી ધ્‍યાનમાં આવી કે આ સભ્‍યપદ માત્ર નગર હવેલી પ્રકરણમાં ન્‍યાય માગવા માટે જ મેળવવામાં આવ્‍યું હતું. આ ન્‍યાયાલય દ્વારા બસો વર્ષ પહેલાંના રાજ્‍યકર્તાઓ અને પોર્ટુગીઝ શાસકો વચ્‍ચે જે કરાર થયો હતો તેનો પોતાને અનુラકૂળ આવે તેવો અર્થ કરીનેતેનો ઉપયોગ કરી લેવાનો આશય હતો. ખરૂં જોતાં આ આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયનો ચુકાદો સંબંધિત દેશોને બંધનકર્તા ન હતો. પરંતુ આ રીતે યુનોમાં પોતાનો પક્ષ રજૂ કરવાની એક તક મળતી હતી અને એને આધારે સમગ્ર વિશ્વમાં આ બાબતની ચર્ચા શરૂ થઈ શકે એવી શક્‍યતા પણ હતી.
યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો. એમાં પોર્ટુગલે આ પ્રમાણે પોતાની માગણી રજૂ કરી.
1. પોર્ટુગલ જ દાદરા નગર હવેલીનું શાસક છે.
2. એ ન્‍યાયે ત્‍યાં સુધી પહોંચવા માટે આવશ્‍યક માર્ગ મેળવવાનો એનો અધિકાર છે અને તે તેને મળવો જોઈએ.
3. એ પ્રદેશના સંરક્ષણ માટે આવશ્‍યક હોય તે સાધનસામગ્ર પણ લઈ જવાની સુવિધા તેને મળવી જોઈએ.
4. ભારત સરકારે પોર્ટુગીઝ શાસન હેઠળનો દાદરા નગર હવેલી પ્રદેશ આંચકી લીધો છે. તેથી ભારત આંતરરાષ્‍ટ્રીય કરારનો ભંગ કરનાર દેશ છે એવો આરોપ તેના પર મુકાવો જોઈએ.
5. ભારતે એ પ્રદેશમાંથી તેનું સૈન્‍ય તાત્‍કાલિક દૂર કરવું જોઈએ અને ત્‍યાંની પોર્ટુગીઝ સરકારનું શાસન પુનઃ પ્રસ્‍થાપિત થાય તેમાં કોઈ વાંધો ન લેવો જોઈએ.
આ રીતે બ્રિટન ખાતેની પોર્ટુગીઝ કચેરીનો ન્‍યાયાલયમાં પોતાનો પક્ષમજબૂત થાય એ આની પાછળનો મુખ્‍ય હેતુ હતો. તે સાથે જ યુરોપનાં બધાં સમાચારપત્રો અને વિવિધ દેશોની રાજધાની ખાતેના વિવિધ દેશોના દૂતાવાસોમાં ભારતવિરોધી પ્રચારનું સાહિત્‍ય પણ મોકલવામાં આવ્‍યું.
દિ. 8 ઓગસ્‍ટ 1955ના રોજ પોર્ટુગલે આ ન્‍યાયાલયમાં એવી માગણી પણ કરી કે તટસ્‍થ રાષ્‍ટ્રોના પ્રતિનિધિઓના બનેલા મંડળને ત્‍યાં મોકલવામાં આવે અને તેઓ પોતાના નિરીક્ષણનો અહેવાલ ન્‍યાયાલયને આપે. ભારતે પણ આ માટે સંમતિ આપી. પરંતુ આ બાબતમાં ભારત અને પોર્ટુગલ વચ્‍ચે પ્રત્‍યક્ષ વાટાઘાટો શરૂ થઈ ત્‍યારે આ માગણી ગૌણ બની ગઈ. નિરીક્ષણ માટે મોકલવામાં આવનાર પ્રતિનિધિ મંડળની નિમણૂક અંગેની શરતો નક્કી કરતી વખતે પોર્ટુગલે ભારતીય પ્રદેશ છોડી દેવો એવી દૃઢ ભૂમિકા ભારતે અપનાવી તો પોર્ટુગલે પણ અહીં અમારો જ અધિકાર છે, અમે તો અહીં રહીશું જ એવી ભૂમિકા પકડી રાખી. પરંતુ ભારતે તે સ્‍વીકારી નહીં તેથી આ વાટાઘાટો પડી ભાંગી.
લોકસભામાં પણ આ બાબતે ચર્ચા થઈ ત્‍યારે પંડિત જવાહરલાલ નેહરૂએ ભારતની આ ભૂમિકાનું જોરદાર સમર્થન કર્યું. તેમણે નિヘયપૂર્વક કહ્યું કે ભારત પોતાની અહિંસાત્‍મક નીતિ પર જ આધાર રાખે છે અને આ નીતિના એક ભાગ તરીકે જ એ પ્રદેશમાં હિંસા થાય એવી કોઈ પણખ ઘટના એ થવા દેશે નહીં.ભારતના આવા જવાબને કારણે પરિસ્‍થિતિ વધારે વણસી.
અત્‍યાર સુધી વિશ્વના અનેક દેશોના મુત્‍સદીઓનું ધ્‍યાન આ બાબત તરફ ગયું હતું, કારણ કે આ પ્રકારનો આ પહેલો જ મુકદ્દમો હતો અને તેમાં જે કોઈ પણ ચુકાદો આવે તેનો આવનારા સમયમાં અનેક સંદર્ભે ઉપયોગ થવાનો હતો. દાદરા નગર હવેલીનો પ્રશ્ન અનેક રીતે પ્રાતિનિધક સ્‍વરૂપનો હતો. ભારત અને પોર્ટુગલ એમાં સીધી રીતે સંકળાયેલા દેશો હતા પરંતુ આ જ પ્રશ્ન વિશ્વના અનેક દેશોના સંદર્ભમાં પણ ઉપસ્‍થિત થવાની શક્‍યતા હતી. આફ્રિકા અને એશિયામાં વસાહતવાદ પર જ ટકેલું હોવાથી આ પ્રકરણમાં અનેક સંગઠનો પોર્ટુગલના સમર્થનમાં આગળ આવ્‍યાં. જો કે પોર્ટુગલને સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળે છે તેમ લાગવા છતાં આંતરરાષ્‍ટ્રીય દૃષ્‍ટિએ જેમનો મત સન્‍માન્‍ય ગણાતો હોય એવા કોઈ પણ દેશે પોર્ટુગલના પ્રચાર અભિયાન તરફ વિશેષ ધ્‍યાન આપ્‍યું નહીં, તો અમેરિકાએ આ વિષયમાં પોર્ટુગલે સ્‍થાનિક લોકોને શક્‍ય તેટલી વધુ સ્‍વાયત્તા આપવી જોઈએ એવો મત પ્રદર્શિત કર્યો. આ નિર્દેશનો હેતુ ગોવાની પ્રજાને વિકાસ અને સુધારણાની વધુ સારી તક મેળવી આપવી એટલો જ છે એવો બચાવ અમેરિકા કરતું હતું પરંતુ અંદરખાને આની પાછળનો હેતુ જુદો જ હતો. અમેરિકાને ભારતની ભૂમિ પર નાટો સંગઠન માટે પોતાના અધિકારમાં હોયએવા સ્‍થળની આવશ્‍યકતા હતી. પોર્ટુગીઝ સરકાર ગયા પછી ભારતને બદલે પોતે જ ત્‍યાં જવાનો અમેરિકાનો વિચાર હતો. એવી ચર્ચા ઘણાં અખબારોમાં શરૂ થઈ હતી.
ભારતની સંસદમાં પણ સામ્‍યવાદી સાંસદ પ્રા. હિરેન મુખર્જીએ આ વિષયની ચર્ચા કરી હતી. સ્‍વાભાવિક રીતે જ તેમનું વલણ અમેરિકા વિરોધી હતું. તેમનો મુખ્‍ય પ્રશ્ન એ હતો કે કોમનવેલ્‍થ પરિષદના કેટલાક સભ્‍ય દેશો તેમ જ કોઈ મહાસત્તા ભારતની ભૂમિ પર પોર્ટુગલનું અસ્‍તિત્‍વ ટકી રહે એ માટે પ્રન કરે છે એ વાત સરકારના ધ્‍યાનમાં આવેલી છે કે કેમ? તેમણે પોતાના પ્રશ્નમાં જ એવો આક્ષેપ પણ કર્યો કે પોર્ટુગલ સમગ્ર વિશ્વમાં ભારતવિરોધી પ્રચાર જેટલી પ્રબળતાથી કરે છે તેના પ્રમાણમાં ભારત સરકાર અસરકારક પ્રતિક્રિયા આપતી નથી. વળી ગોવા પણ ભારતનો અવિભાજ્‍ય ભાગ છે એમ સચોટ રીતે પ્રસ્‍થાપિત કરવામાં આવ્‍યું નથી. એ વખતે વડાપ્રધાન પંડિત નેહરૂએ સંસદમાં એવું આશ્વાસન આપ્‍યું કે ભારત સરકાર કોઈ પણ પરિસ્‍થિતિમાં ભારતની ભૂમિને નાટો સંગઠનના રાષ્‍ટ્રો માટેનું આશ્રયસ્‍થાન બનવા દેશે નહીં. જો કે તેમના આ જવાબથી સંસદસભ્‍યોનું પૂર્ણ સમાધાન થયું નહીં. તેમનો તો એવો જ મત રહ્યો કે જ્‍યારે વિશ્વના અનેક દેશો પણ ભારત દ્વારા દૃઢ નીતિ અપનાવવામાં આવે એવી અપેક્ષા રાખે છે ત્‍યારે પણ આપણેએને યોગ્‍ય પ્રતિસાદ આપતા નથી.

(ક્રમશઃ)

Related posts

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment