(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: સાર્વજનિક ગણેશ મહોત્સવ સ્વાધ્યાય મંડળ રોડ પારડી છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવ મનાવી રહી છે. પરંતુ અન્ય મંડળોની જેમ બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ પણ ન કરી સરકારશ્રીની ગાઈડ લાઈનની તો પાલન કરે જ છે પરંતુ સાથે સાથે આ મંડળના યુવાનો અને મિત્રો દરેક વરસે અલગ અલગ વિષયોની પસંદગી કરી ગણેશજી પ્રતિમાનું નિર્માણ કરી સમાજ અને અન્ય મંડળો પર છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની આગવી છાપ ઊભી કરી છે. જેને લઈ લોકોને સ્વાધ્યાય મંડળના ગણપતિના દર્શન કરવાનો ઈન્તઝાર રહે છે.
આ મંડળે 2013 માં વડની વડવાઈના, 2014 માં સોપારીના, 2015 ગાયના છાણ અને માટીના, 2016 માં વેસ્ટમાંથી બેસ્ટ સાયકલના સાધનોના, 2017 માં ફૂલોના, 2018 માં સંગીતના સાધનોના, 2019 માં જીએસટી ફ્રી ચીજ વસ્તુઓના ત્યારબાદ બે વરસ કોરોના કાળ બાદ 2022 માં ફરીથી કોરોના થીમ પર ડોકટરોના વિવિધ સાધનોના અને આ વરસે એટલે કે 2023 માં આદિવાસી અને ખેડૂતોના ઘર વપરાશના સાધનો વાંસના સૂપડા, ટોપલા, સાદળી, છાબ વિગેરેનો ઉપયોગ કરી આબેહૂબ ગણેશજીની પ્રતિમા બનાવી સમગ્ર પારડી નગરમાં આગવી ઓળખ ઉભી કરી ફરી એકવાર સાર્વજનિક ગણેશમહોત્સવ સ્વાધ્યાય મંડળ રોડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય અહીં દૂર દૂરથી લોકો ગણેશજીના દર્શને આવી રહ્યા છે.