મજૂરી કરી જીવન ગુજારતા પરિવારની જીવનભરની પુંજી બળી જતા
પરિવાર આવ્યો રસ્તા પર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડીના આમળી બ્રાહ્મણ ફરિયા ખાતે ગણેશભાઈ સોમાભાઈ પટેલ પોતાની પત્ની અને દસ વર્ષના બાળક સાથે રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ ગણેશ ચતુર્થી હોય સમગ્ર પરિવાર પોતાનું કાચું ઘર બંધ કરી સવારે સાત વાગેની આસપાસ બાજુમાં ગણેશ સ્થાપનામાં ગયા હતા.
આ દરમિયાન આશરે 7 થી 8 ના સમય દરમિયાન ગણેશભાઈના ઘર બાજુ ફટાકડા જેવા ફૂટવાના અવાજ આવતા જઈને જોતા ગણેશભાઈના ઘરમાં આગ લાગી હતી. લાકડાનું કાચું લીપણ વારુ ઘર હોય જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં રાખેલ લોટ, ચોખા, કપડા, ખાટલા, કબાટ જેવી તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. એટલેથી જ નહિ અટકતા મજૂરી કરી ખૂબ સામાન્ય જીવન જીવી એમાંથી જ પા પા પૈસાબચાવી ભેગા કરેલ 50 થી 60 હજાર રૂપિયા તથા સોનાના ચેઇન, બુટ્ટી, વીટી જેવા ઘરેણા પણ બળી જતા આ ગરીબ પરિવાર રોડ પર આવી ગયો છે. અને હાલમાં એમની પાસે પહેરેલા કપડા સિવાય કશું જ બચ્યું નથી.
કહેવાય છે… આપેલું દાન વ્યર્થ જતું નથી. આપણે એક રૂપિયો દાન આપીએ તો ઉપરવાળો સો રૂપિયા પરત આપે છે.
આજે આ ગરીબ પરિવારને આવા જ કંઈક ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જરૂર છે. આપણે સૌ આગળ આવી આ પરિવારને બનતી મદદ કરીએ જેથી આ પરિવાર બેઠો થાય અને ફરીથી મહેનત કરી પોતાની જીંદગી સ્વમાનભેર જીવી શકે.