(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2023-24 માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.31/10/2023 સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. બાગાયત વિભાગનીયોજનાઓના ઘટકો જેવા કે સરગવાની ખેતીમાં સહાય, આંબા – જામફળ ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ (ડ્રેગન ફ્રુટ) ફળપાક ખેતીમાં સહાય, કેળ ટીસ્યુ વાવેતરમાં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુ છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ (વન બંધુ યોજના), ઔષધીય પાકો માટેના ડીસ્ટીલેશન યુનિટમાં સહાય, ખેતર પરના શોંર્ટીગ ગ્રેડીગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ (વિજદરમાં સહાય), હવાઈ માર્ગે બાગાયત પેદાશોની નિકાસ માટેના નુરમાં સહાય જેવી કાર્યરત યોજનાઓનો સહાય લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઈન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના 11.00 કલાકથી સાંજના 5.00 કલાક દરમ્યાન 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઈ સંબંધિત ઘટકમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નક્લ જરૂરી સાધનિક કાગળો સાથે દિન (10) માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક સામેની ગલીમાં, તિથલરોડ, વલસાડ-396001 ખાતે અચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરીની અખબાર યાદીમાં જણાવાયુ છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/10/gujarat-ikhedut-min-960x576.jpg)