દાનહ અને દમણ-દીવને શિક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાથી સભર બનાવવાની સાથે સામાજિક સાંસ્કૃતિક અને રમત-ગમતના ક્ષેત્રે પણ પ્રદેશ પાછળ નહીં રહી જાય તેની સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલી કાળજી અને તકેદારી
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવો તરવરાટ અને સ્ફૂર્તિ સાથે શુક્રવારની સમી સાંજથી રવિવારની મોડી રાત્રિ સુધી લગભગ 76 કરતા વધુ વિકાસના કામોનું નિરીક્ષણ મોનિટરિંગ અને અવલોકન કરી દાદરા નગર હવેલી અને દમણ-દીવને નવા ભારતમાં વિકસિત પ્રદેશ તરીકે સમાવવાના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે.
શુક્રવારે રાત્રિના લગભગ સાડા આઠ સુધી નિરીક્ષણ કાર્ય કર્યા બાદ શનિવારે વહેલી સવારે લગભગ 7:00 વાગ્યાથી શરૂ થયેલી વિકાસકામોના નિરીક્ષણની ઈનિંગ બપોર સુધી ચાલી હતી.
આજે રવિવારે પણ પ્રશાસકશ્રીએ સવારથી રાત સુધી લગભગ 32 જેટલા કાર્યાન્વિત પ્રોજેક્ટો અને વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવને શિક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાથી સભર બનાવવાની સાથે સામાજિકસાંસ્કૃતિક અને રમત-ગમતના ક્ષેત્રે પણ પ્રદેશ પાછળ નહીં રહી જાય તેની કાળજી અને તકેદારી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે. જેના ફળસ્વરૂપ આંગણવાડીથી લઈ કોલેજ સુધી શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની દૃષ્ટિએ પ્રદેશમાં બદલાયેલા વાતાવરણની પ્રતિતિ થાય છે. બાળકના જન્મ પહેલાંથી સગર્ભા માતા અને જન્મ બાદ ધાત્રી માતાઓ તથા આંગણવાડીથી લઈ હાઈસ્કૂલ સુધી તમામના આરોગ્યની કાળજી પણ લેવામાં આવી રહી છે.
સંઘપ્રદેશને સુપોષિત બનાવવા અને ટી.બી., રક્તપિત્ત જેવા રોગોને નેસ્તનાબૂદ કરવા પણ સમગ્ર તંત્રની સાથે જોડાયેલી લોકભાગીદારીએ મિશન મોડમાં કામ શરૂ કર્યું છે. જેના પ્રારંભિક સારા પરિણામો પણ દેખાઈ રહ્યા છે. ટૂંકમાં પ્રદેશના નેતૃત્વ પાસે હકારાત્મકતા અને સમસ્યાને સમજવાની પરખ હોય તો અસંભવ દેખાતુ કાર્ય પણ સંભવ બની શકે તેનું યથાર્થ દૃષ્ટાંત દાદરા નગર હવેલી અને દમણ-દીવ બન્યું છે. કારણ કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે છેલ્લા 7 વર્ષમાં આપેલા સબળ અને સક્ષમ નેતૃત્વના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંભવ બની રહ્યું છે. જેના સાચા યશના અધિકારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. કારણ કે, તેમણે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રશાસકશ્રીની કરેલી પસંદગી સાચા અર્થમાંયથાયોગ્ય સાબિત થઈ છે.
સોમવારનું સત્ય
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુક્રવાર સાંજથી રવિવારની રાત સુધી દમણમાં કાર્યાન્વિત વિવિધ પ્રોજેક્ટોના કરેલા નિરીક્ષણથી અધિકારીઓ-એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની ક્યાંક ક્યાંક ઉણપ તો ક્યાંક ક્યાંક ખાસિયતો પણ સામે આવી હતી. પ્રશાસકશ્રીની બાજનજર હેઠળ છટકી નથી શકાતું તેની પ્રતિતિ પણ ઘણી વખત આ મુલાકાત દરમિયાન અધિકારીઓને થઈ હોવાનું દબાતા અવાજે બહાર આવી રહ્યું છે. પ્રદેશનું સદ્ભાગ્ય છે કે, કર્મઠ કર્મયોગીના સ્વરૂપમાં પ્રશાસકશ્રી મળ્યા છે.