સમાજમાં પ્રવર્તી રહેલી બાળ વિવાહની કૂપ્રથાને જડમૂળથી મીટાવવા લીધેલા શપથ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્માના દિશાનિર્દેશ મુજબ ગઈકાલે મંગળવારે દાદરા નગર હવેલીના રાંધા ગામમાં ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત બાળ વિવાહ નિષેધ અધિકારી અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કરના નેતૃત્વમાં સરપંચશ્રીની હાજરીમાં શાળાના બાળકો, શિક્ષકો, પંચાયત સભ્યો સહિત અન્ય પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકર્તા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો દ્વારા બાળ વિવાહના કુરિવાજને નાબૂદ કરવાની જાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો હેતુ લોકોમાં બાળ વિવાહને રોકવા માટે જનજાગૃતિ ફેલાવવા અને શાળાના બાળકોના માનસ પટલ પર આ કુરિવાજના કારણે તેમના આરોગ્ય પર પડી રહેલા દુષ્પ્રભાવ પ્રત્યે જાગૃત કરવાનો હતો.
આ દરમિયાન હાજર રહેલા તમામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ સુનિશ્ચિત કરશે કે એમની આજુબાજુ અને સમુદાયમાં કોઈપણ કુટુંબ બાળ વિવાહ ન કરે અને જો કોઈ એવો કિસ્સો ધ્યાન પર આવશે તો એનીજાણકારી જિલ્લાના બાળ વિવાહ નિષેધ અધિકારી અને મામલતદાર સેલવાસને આપશે.
અત્રે આયોજીત બાળ વિવાહ નાબૂદી જાગૃતિ રેલીમાં રાંધા પંચાયતના ગ્રામજનોએ પૂર્ણ સહયોગ આપ્યો હતો અને બાળ વિવાહના આ દુષણને જડમૂળથી મીટાવવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.