કુલ 1941 જેટલા નોંધાયેલા કેસોમાંથી 219 કેસોનો કરાયેલો નિકાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તાધિકારી નવી દીલ્હી અને રાજ્ય કાનૂની સેવાસત્તાધિકારી-દાદરા નગર હવેલીના દિશા-નિર્દેશ અનુસાર ડીસ્ટ્રીકટ કોર્ટ, સેલવાસમાં ‘રાષ્ટ્રીય લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેક બાઉન્સ કેસ, કામદાર વિભાગ, રેવન્યુ કેસ, મોટર અકસ્માત કેસ, જમીન અધિગ્રહણ કેસ, વૈવાહિકવિવાદ, ફોજદારી કંપાઉન્ડેબલ કેસ, બેંક, ઉપભોક્તા કેસ, ગ્રામ પંચાયત હાઉસ ટેક્સ, ગુજરાત ગેસ, પ્રી-લેટીગેશન કેસ, ઈ-રિક્વરી કેસ સબંધના વિવાદ વગેરેનો આપસી ભાઈચારાથી નિકાલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. અત્રે આયોજીત રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 1941 જેટલા કેસો નોંધાયા હતા. જેમાંથી 219 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા કુલ 3,32,83,873 રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સૌ. એસ.એસ.સાપટણેક, સિવિલ જજ સિનિયર ડિવિઝન અને મુખ્ય ન્યાયાધીશ શ્રી અવધૂત ભોસલે, સિવિલ જજ જુનિયર ડિવિઝન એન્ડ જે.એમ.એફ.સી. મિસ બી.એચ.પરમાર, બેંકના અધિકારીઓ, બાર એસોસિએશનના સભ્યો સહિત મોટી સંખ્યામાં અરજદારો અને સામા પક્ષકારો હાજર રહ્યા હતા.