108ના ઘાયલ ચાલકને બીજી 108 સંજીવની બની : ટ્રકમાંથી વેરાયેલા ટામેટા લેવા લોકોએ પડાપડી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: ધરમપુર વિસ્તારમાં આજે સોમવારે મળસ્કે બે અકસ્માતની ઘટના બની હતી. વાંકલ નજીક ઝાડ સાથે 108 એમ્બ્યુલન્સ ભટકાતાઘાયલ ચાલકને બીજી 108 એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. બીજો બનાવ વિરવલ ગામે બન્યો હતો. ટામેટા ભરેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. વેરાયેલા ટામેટા લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. બન્ને અકસ્માતમાં કોઈ જાન હાની થવા પામેલ નથી.
ધરમપુરની અકસ્માતની પ્રથમ ઘટના વાંકલ નજીક દર્દીને વલસાડ સિવિલમાં એડમીટ કરી પરત ફરી રહેલી 108 એમ્બ્યુલન્સના ચાલકને અચાનક ચક્કર માવતા એમ્બ્યુલન્સ ઝાડ સાથે ભટકાઈ હતી. અવાજ આવતા લોકો એકઠા થઈ ગયા હતા. અન્ય એક 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘાયલ ચાલકને વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. સુથારપાડા પોઈન્ટ એમ્બ્યુલન્સને જીજે 18 જીબી 1858 સદ્દનસીબે ખાલી હતી તેથી અન્ય કોઈ અપ્રિય ઘટના ઘટી નહોતી. બીજો અકસ્માત ધરમપુરના વિરવલ ગામે મહારાષ્ટ્રથી સુરત ટામેટા ભરીને જઈ રહેલ ટ્રક નં.જીજે 03 બીવાય 5595 ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ચાલકને નજીવી ઈજા થઈ હતી. પરંતુ ટામેટા રોડ ઉપર વેરાતા લોકોએ ટામેટા લેવા પડાપડી કરી હતી.