દમણ અને દીવના સાંસદ પોતાની ઊર્જા આક્ષેપ-આરોપોમાં ખર્ચી નાંખશે તો તેનો ફાયદો પોતાને પણ નહીં અને દમણ-દીવની પ્રજાને પણ નહીં થશે
લાલુભાઈ પટેલના સાંસદ કાળ દરમિયાન જેટલો વિકાસ થયો તેટલો વિકાસ દમણ અને દીવની આઝાદીના છેલ્લા 60 વર્ષમાં પણ થયો નથી જેનો શ્રેય સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના રાત-દિવસના પરિશ્રમ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ટચૂકડા પ્રદેશ પ્રત્યેની કૃપાદૃષ્ટિને આપવો જ પડે
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાના એક મહિના કરતા વધુ સમય થયો છે. ભારતીય જનતા પાર્ટી માટે દેશની સૌથી સુરક્ષિત ગણાતી બેઠક પૈકીની એક દમણ અને દીવ બેઠક ઉપર પરાજય થવા પામ્યો છે. દમણ અને દીવમાં કોઈ એવું ક્ષેત્ર નહીં રહ્યું હતું કે ત્યાં વિકાસ નહીં થયો હોય. કેટલીક જગ્યાએ રોડના કામ બાકી અવશ્ય હતા, પરંતુ તે કાર્ય યોજનામાં લેવાઈ ચુક્યા હતા. રોડ સહિતના દરેક કામો ખુબ જ ગુણવત્તાવાળા અને ટકાઉ થઈ રહ્યા હોવાનું દમણ અને દીવના લોકો જાણતા હતા. પરંતુ ચૂંટણીના સમયે દમણ અને દીવના બે પ્રમુખ સમાજમાં ચાલેલી ‘મોબ સાયકોલોજી’ના કારણેભાજપ અને ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનો પરાજય થવા પામ્યો હતો અને વિજેતા તરીકે અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલ બન્યા હતા.
દમણ અને દીવના સાંસદ તરીકે ચૂંટાયાનો શ્રી ઉમેશભાઈ પટેલનો એક મહિનો પસાર થઈ ચુક્યો છે. હવે ધીરે ધીરે શ્રી ઉમેશભાઈ પટેલની તરફેણમાં રહેલા લોકોનો પણ મોહભંગ થઈ રહ્યો છે. શ્રી ઉમેશભાઈ પટેલે લોકોને જકડી રાખવા પોતાની રાબેતા મુજબની સ્ટાઈલ પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી સામે ફરી એકવાર એલફેલ બોલવાનું શરૂ કર્યું છે. બોલે તેના બોર વેચાય એ વાત નેતા તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ ખુબ જ સારી રીતે જાણતા હોવાથી તેમણે ચૂંટણી દરમિયાન પણ પોતાની આ ટ્રીક અજમાવી લોકોને સામુહિક ગુમરાહ કર્યા હતા. તે વખતે શ્રી ઉમેશભાઈ પટેલ ઉમેદવાર હતા કે એક નેતા હતા. હવે તેઓ ચૂંટાઈને સાંસદના એક બંધારણીય પદને શોભિત કરી રહ્યા છે. તેથી તેમની ભાષામાં વિવેક અને સૌજન્ય હોવું ખુબ જરૂરી છે.
દમણ અને દીવના વિકાસની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ચોક્કસ કહેવું પડે છે કે શ્રી લાલુભાઈ પટેલના સાંસદ કાળ દરમિયાન જેટલો વિકાસ થયો તેટલો વિકાસ દમણ અને દીવની આઝાદીના છેલ્લા 60 વર્ષમાં પણ થયો નથી. જેનો શ્રેય સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના રાત-દિવસના પરિશ્રમ અનેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ટચૂકડા પ્રદેશ પ્રત્યેની કૃપાદૃષ્ટિને આપવો પડે છે.
અત્રે યાદ રહે કે, દમણ અને દીવમાં રોડ સહિતના અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ગતિમાં છે. જે પૈકીના બનેલા રોડ ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ અને દરેક સિઝન માટે ટકાઉ છે. જેમણે પણ ગુણવત્તા અને ટકાઉપણું કોને કહેવાય તે જોવું હોય તો તાજેતરમાં ઢોલર ચાર રસ્તાથી જમ્પોર સુધી નિર્મિત રોડ ઉપર એક લટાર મારી આવવી જોઈએ.
દમણ અને દીવમાં પાણીની સમસ્યા પણ કાયમી રીતે હલ થવાની કગાર ઉપર છે. પ્રોજેક્ટમાં વિલંબ થવા પાછળ કોન્ટ્રાક્ટરોની આડોડાઈ સહિત અનેક વહીવટી કારણો હોય શકે છે. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને કડક વલણ અપનાવી પાણી પુરવઠા યોજના નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા કમર કસી છે.
ભારત સરકારે વિદ્યુત વિભાગોના નિગમીકરણ અને ખાનગીકરણ માટે લીધેલા પગલાંના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગનો અખત્યાર પણ ટોરેન્ટ પાવરના હસ્તક ગયો છે. ટોરેન્ટ પાવર ઉપર પ્રશાસનિક અંકુશ હોવાથી તેઓ પણ પોતાની સેવા શ્રેષ્ઠ રીતે આપે તે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. ટોરેન્ટ પાવરમાં વિદ્યુત વિભાગમાં કામ કરતા જોડાયેલા કામદારો, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન સહિતના સ્ટાફને પી.એફ. સહિતની સુવિધા સાથે યોગ્ય વળતર પણ આપવામાંઆવી રહ્યું છે.
આમ, દમણ અને દીવે ફક્ત રોડ, લાઈટ અને પાણીના ક્ષેત્રે જ નહીં પરંતુ માનવ સંસાધન વિકાસ ક્ષેત્રે પણ ઊંચી છલાંગ લગાવી છે. સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ પાસે હજુ ખુબ લાંબો સમય છે. તેઓ પોતાની ઊર્જા આક્ષેપ અને આરોપોમાં ખર્ચી નાખશે તો તેનો ફાયદો તેમને પણ નહીં અને દમણ અને દીવની પ્રજાને પણ થવાનો નથી.
સોમવારનું સત્ય
દાદરા નગર હવેલીના ઊંડાણના ગામ મોરખલ, માંદોની, સિંદોની સહિતની આદિવાસી દિકરીઓ પોતાના સમાજ-પેઢીની પહેલી ડોક્ટર તરીકે આગામી માર્ચ, 2025માં બહાર પડશે. શું આ વિકાસ નથી? આ ક્રમ હવે પછીના દરેક વર્ષે ચાલુ રહેશે ત્યારે આવતા 10-15 વર્ષમાં દાદરા નગર હવેલી ક્યાં પહોંચશે તેની કોઈએ કલ્પના કરી છે ખરી? આ વિકાસનું માત્ર ટ્રેલર છે.