(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીના દૂધની ગામે બાઈક પર ત્રિપ્પલ સવાર બાઈકચાલકને કોર્ટ દ્વારા એક દિવસની જેલ અને નવ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર તા.11/11/2022ના રોજ ફરિયાદી દિપેશ મોહન પવાર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે આરોપી હિતેશ નવીન ટંડેલ (ઉ.વ.27) રહેવાસી ચિંચપાડા, વાસોણા જે એમના મિત્રો સાથે બાઈક પર ત્રિપ્પલ સવાર થઈને દૂધની ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળ બેઠેલ એક વ્યક્તિ પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
બાઈક ચાલક પાસે બાઈકના કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ નહીં હતા અને હેલ્મેટ પણ પહેર્યું ન હતું. આ ફરિયાદના આધારે કેસ સેલવાસ કોર્ટમાં દાખલ કરાયો હતો. જેમાં ફરિયાદી તરફે સરકારી વકીલ પ્રવીણ પટેલની ધારદાર રજૂઆત બાદ સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સુશ્રી બી.એચ.પરમાર દ્વારા આરોપીને એક દિવસની સજા અને રોકડા રૂા.નવ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

