સતત સાત વર્ષ સુધી શિક્ષક તરીકે પુરા ખંતથી નોકરી કરી છેવટે 2021માં પાણીચું મળતાં દાનહના આદિવાસી શ્રમજીવી પરિવારમાં આભ ફાટયું હોય તેવી આફતની સ્થિતિનું થયેલું નિર્માણઃ હિંમત હાર્યા વગર હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ ધર્મેશભાઈ ભોયાએ સ્વાવલંબી બનવા પોતાના જ્ઞાનનો શરૂ કર્યોઉપયોગ
આજે સમસ્ત દાદરા નગર હવેલીના આત્મનિર્ભર બનવા થનગનતા યુવાનો માટે પ્રેરણાસ્રોત અને એમ્બેસેડર બની ચુક્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : ‘‘જ્યાં ચાહ હોય ત્યાં રાહ હોય'' એ ઉક્તિને દાદરા નગર હવેલીના કલા ગામ ખાતે પટેલપાડાના રહેવાસી શ્રી ધર્મેશભાઈ ભોયાએ અક્ષરશઃ સાચી સાબિત કરી છે. દાદરા નગર હવેલી પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા 2014માં પ્રાથમિક શિક્ષક તરીકે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થયેલા શ્રી ધર્મેશભાઈ ભોયાને પ્રશાસનના એક આદેશથી 2021માં છૂટા કરાતા તેમના માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સાત સાત વરસ સુધી ખંતથી નોકરી કરી છેવટે પાણીચું મળતાં પોતાના માતા-પિતાએ રાત-દિવસ કાળી મજૂરી કરી બી.એડ. સુધીના કરાવેલા અભ્યાસ ઉપર પાણી ફરી વળ્યું હોવાનું દેખાવા લાગ્યું હતું. કારણ કે, શ્રી ધર્મેશભાઈ ભોયા પરિવારના એક માત્ર શિક્ષિત અને કમાનાર વ્યક્તિ હતા. અચાનક આવેલી આફતથી નાસીપાસ થયા વગર શ્રી ધર્મેશભાઈ ભોયાએ હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ પોતાના શિક્ષણનો ઉપયોગ ધંધા માટે શરૂ કર્યો. શરૂઆતમાં થોડીઘણી નિષ્ફળતા-સફળતા મળતી ગઈ, પરંતુ હિંમત હાર્યા વગર પોતાના અંગત મિત્રો અને વડિલોની પ્રેરણાથી તેમણે દાદરા નગર હવેલી ખાતે વિવિધજગ્યાએ સપ્તાહના સાતેય દિવસ ભરાતા હાટ-બજારમાં રેડીમેડ કપડાંના વેચાણના ધંધાની શરૂઆત કરી. ધીરે ધીરે આ ધંધામાં હથોટી પણ આવતી ગઈ અને કોલેજના મેળવેલા શિક્ષણના અનુભવથી બેસ્ટ સેલ્સમેન તરીકે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી આજે શ્રી ધર્મેશભાઈ ભોયા હજારો યુવાનોના પથદર્શક બન્યા છે. શ્રી ધર્મેશભાઈ ભોયાએ પોતાની જીંદગીમાં આવેલી તકલીફ અને સમસ્યા સાથે સમજૂતિ નહીં કરી, પરંતુ દરેક પરિસ્થિતિનું સમાધાન કાઢવા માટે તેમણે પોતાના સ્વરોજગારનો રસ્તો શોધી લીધો. આજે દાદરા નગર હવેલીમાં શ્રી ધર્મેશભાઈ ભોયા આત્મનિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની ચુક્યા છે. કારણ કે, દાદરા નગર હવેલીમાં શિક્ષક સહિતના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરાતા સેંકડો કર્મીઓને છૂટા કરાયા છે. જે પૈકીના કેટલાકે જીવનથી કંટાળીને ન કરવાનું કરી બેઠા છે. તે તમામ માટે શ્રી ધર્મેશભાઈ ભોયા એક પ્રેરણારુપ બન્યા છે. તેઓ જણાવે છે કે, જીવનમાં ક્યારેય પણ હતાશ થવું નહીં અને એક બારી બંધ થાય તો ભગવાન બીજી 10 બારીઓ ખોલી દેતો હોય છે. ફક્ત બારીની ઓળખ કરતાં આવડવું જોઈએ. પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ બનેલા શિક્ષક શ્રી ધર્મેશભાઈ ભોયાની બેમિસાલ અને પ્રેરણાદાયી કહાણી બીજા અનેક યુવાનો માટે ફક્ત માર્ગદર્શક નહીં પરંતુ તેમના માટે જીવનરક્ષક પણ બનીરહેશે.