રેલવેની સહયોગી સંસ્થા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા 2018-19માં આ સેવા કાર્યરત કરવામાં આવી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી-વલસાડ અને સંઘપ્રદેશના ઉદ્યોગો માટે પોર્ટ ઉપર પહોંચાડવા માટે કન્ટેનર સેવા રેલવે સહયોગી સંસ્થા કન્ટેનર કોર્પોરેશન દ્વારા કરમબેલામાં કન્ટેનર ગુડ્ઝ યાર્ડની સેવા 2018-19માં કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતના તબક્કામાં સફળ થયેલી આ યોજના ધીરેધીરે નિષ્ફળતા તરફ આગળ ધપી રહી છે.
કરમબેલા ગુડ્ઝ યાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે આ સેવા કાર્યરત કરાઈ હતી. જેનો હેતુ આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થઈ શકે તેવો હતો. શરૂઆતના છ મહિનામાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. પરંતુ હાલમાં મહિને છ થી સાત કન્ટેનર આવે છે. ખરેખર તો 4 હજાર જેટલી ટ્રકો અવર જવર કરે છે તેની સ્થાને ગુડ્ઝ કન્ટેનર સેવાથી યાર્ડ સુધી માલનું પરિવહન થશે. પર્યાવરણને પણ ફાયદો થશે અને ઉદ્યોગોને લોજીસ્ટીક ખર્ચમાં પણ ઘટાડો થશે પરંતુ આ સેવા નિષ્ફળતા ભણી આગળ વધી રહી છે. હાલમાં ફક્ત સિમેન્ટ કે ખાતર યાર્નનું બુકીંગ ચાલે છે. આ યાર્ડથી રેલવે દ્વારા બંદર ઉપર ગુડ્ઝ પહોંચાડવાનો હેતુ હતો અને દરરોજ એક ટ્રેન હિસાબે 50 હજાર કન્ટેનર પાર્ટ ઉપર પહોંચાડાશે. અતિ જરૂરી આ યોજના હાલ સફળ રહી નથી. હા આ યોજના અંકલેશ્વર અને બોઈસરમાં સફળ રહી છે.