ધો.7માં ભણતો અક્ષિત અટારા ટયુશન ક્લાસની પિકનીક વનભોજનમાં આંબલલાડ ગામે ગયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: ધરમપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખનો પૌત્ર આજે ટયુશનથી પિકનિક વન ભોજન માટે આંબલલાડ ગામે ગયો હતો ત્યારે તાન નદીમાં પગ લપસી પડતા તેનુ પાણીમાં ડૂબી જતા મોત નિપજતા ધરમપુરમાં ચકચાર મચી જવા પામી હતી.
ધરમપુર ખારવેલ બી.આર. ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધરમપુર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ અટારાનો પૌત્ર અક્ષિત અટારા ધો.7માં અભ્યાસ કરતો હતો. આજે સોમવારેટયુશન ક્લાસ દ્વારા વન ભોજન પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અક્ષિત પણ જોડાયો હતો. પિકનિક આંબલલાડ ગામે તાન નદીના કિનારે યોજાઈ હતી. તે દરમિયાન અક્ષિતનો પગ નદીના પાણીમાં લપસી જતા તેનું ડૂબી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અક્ષિતને સાંઈનાથ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સથી લાવવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસ લાશનો કબજો લઈને પી.એમ. માટે મોકલી આપી હતી. હોસ્પિટલમાં ટોળેટોળા ઉમટી ગયા હતા.