શિક્ષકો દ્વારા શિક્ષકો માટે પોતાની નવીનતા ઈનોવેશનને આવરી લેતા ફેરનું શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા આયોજનથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉપસચિવ કલા પી. વેણુગોપાલે વ્યક્ત કરેલી પ્રસન્નતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષણ અંતર્ગત શિક્ષકો દ્વારા કરવામાં આવતી નવીનતા, ઈનોવેશનને ઉત્તેજન આપવા માટે બે દિવસીય ઈનોવેશન ફેર(મેળા)નું આયોજન સરકારી માધ્યમિક વિદ્યાલય મસાટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ 102 શિક્ષકોએ પોતાના નવાચારને રજૂ કર્યા હતા.
ઈનોવેશન ફેરના ઉદ્ઘાટન સમારંભમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયથી ઉપસચિવ શ્રીમતી કલા પી. વેણુગોપાલના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું હતું. જેમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ડેપ્યુટી કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ્સ સુશ્રી પ્રિયંકા ચરણ, પીએફએમએસના પ્રોજેક્ટ મેનેજર શ્રી મનિષકુમાર પાંડે, પીએફએમએસના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ શ્રી આનંદ સિંહ બિસ્ત સામેલ હતા. દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણનિર્દેશક શ્રી જતિન ગોયલ, દાનહ અને દમણ-દીવના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પારિતોષ શુકલા, પ્રાથમિક વિભાગના શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી, માધ્યમિક વિભાગના શિક્ષણ અધિકારી શ્રી અનિલ ભોયા, સમગ્ર શિક્ષણના જિલ્લા પ્રકલ્પ સમન્વયક ડો. સતિષ પટેલ, ડાયેટ દમણની ટીમ, બી.આર.સી.સી., બી.આર.પી., સી.આર.સી. વગેરે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉપસચિવ શ્રીમતી કલા પી. વેણુગોપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે સાયન્સ ફેર, ઈનોવેશન ફેર ફક્ત વિદ્યાર્થીઓ માટે જ કરતા આવી રહ્યા છીએ પરંતુ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના સમગ્ર શિક્ષણ દ્વારા શિક્ષકો માટે આયોજીત કરવામાં આવેલ ઈનોવેશન ફેર ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે શિક્ષણ વિભાગને આ પ્રકારના આયોજન બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા પૂર્ણ શિક્ષણ મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા વિવિધ આયોજનની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો માટે સમગ્ર શિક્ષણનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોજનાના કાર્યાન્વયનમાં રખાતી સુગમતા અને ગુણવત્તાલક્ષી વિવિધઆયોજનના સમાવેશની શિક્ષણ મંત્રાલયના સમગ્ર શિક્ષણની મહત્વપૂર્ણ પહેલ છે.
ઉદ્ઘાટન સમારંભમાં સ્વાગત વક્તવ્ય આપતા સહાયક નિર્દેશક શ્રી પારિતોષ શુકલાએ જણાવ્યું હતું કે, શિક્ષણમાં ગુણવત્તાપૂર્ણ સુધારો લાવવા માટે વર્ગખંડમાં કાર્ય કરી રહેલા શિક્ષકો દ્વારા કરવામાં આવતા નવાચાર અભિગમ પોતાની પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે. ઈનોવેશન ફેરમાં શિક્ષકો દ્વારા કરાતા નવાચારોને પ્રસ્તુત કરવાની તક આપવાની સાથે તેની જાણકારી દરેકને મળવાથી ઈનોવેશન ફેર એક મંચ બનશે એવી અપેક્ષા પ્રગટ કરી હતી.
ઉદ્ઘાટન સમારંભ બાદ અતિથિઓએ શિક્ષકો દ્વારા રજૂ કરાયેલ નવાચારોનું નિરીક્ષણ કરી શિક્ષકો સાથે વાતચીત પણ કરી હતી. આ બેદિવસીય ઈનોવેશન ફેરમાં દાદરા નગર હવેલીની દરેક પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો મુલાકાત લઈ નવાચારોની બાબતમાં માહિતગાર થશે.