દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતાગોપાલ દાદાએ દમણની નવનિર્મિત અદ્યતન મચ્છી માર્કેટોની મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ જાણવા કરેલી આવકારદાયક પહેલપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની તમામ શક્તિ કામે લગાવી નાની અને મોટી દમણમાં અદ્યતન ફિશ માર્કેટનું કરેલું નિર્માણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26: દમણ અને દીવના પૂર્વ સાંસદ તથા ફિશરીઝ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ (દાદા)એ આજે નાની અને મોટી દમણ ખાતે નવનિર્મિત અદ્યતન મચ્છી માર્કેટની મુલાકાત લઈ તેઓએ મચ્છી વિક્રેતા બહેનોની પહેલાની અને અત્યારની સ્થિતિ જાણવાનો આવકારદાયક પ્રયાસ કર્યો હતો.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાના જણાવ્યા પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની અને મોટી દમણમાં અદ્યતન ફિશ માર્કેટના નિર્માણ માટે પોતાની તમામ શક્તિ કામે લગાવી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે વાપીથી સુરત વચ્ચેના દક્ષિણ ગુજરાત સુધી આટલી ભવ્ય મચ્છી માર્કેટ જોવા નહીં મળે એવું આકલન પણ શ્રી ગોપાલ દાદાએ વ્યક્ત કર્યું હતું.
દમણ અને દીવના આગેવાન માછીમાર નેતા અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ મચ્છી વિક્રેતા બહેનોપાસે જઈ તેમની હાલ ચાલ પુછી હતી. તમામ મચ્છી વિક્રેતા બહેનો ખૂબ જ ખુશ હતી અને તેઓએ જણાવ્યું હતું કે, દમણની આઝાદી બાદ પહેલી વખત અમારી દરેક સુવિધાઓનો ખ્યાલ રખાયો છે. ગરમીથી બચવા પંખા છે, મચ્છીને યોગ્ય રીતે રાખી શકવા માટે પ્લેટફોર્મ બનાવાયું છે. ગંદા પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી છે, જેના કારણે માર્કેટમાં ગંદકી થતી નથી, ગંદકી નહીં થવાના કારણે માખી-મચ્છરોનો ત્રાસ પણ નહીંવત છે. પરિણામ સ્વરૂપ મચ્છીની ગુણવત્તા પણ જળવાઈ રહેતી હોવાનું જણાવાયું હતું.
વધુમાં મચ્છી વિક્રેતા બહેનોના જણાવ્યા પ્રમાણે પહેલા શૌચાલયની કોઈ યોગ્ય અને સ્વચ્છ વ્યવસ્થા નહીં હતી. રાત્રે લાઈટની વ્યવસ્થા પહેલા નહીં હતી તદ્ઉપરાંત માર્કેટની છતના પણ ઠેકાણા નહીં હતા. જેના કારણે તાપ અને વરસાદમાં બેસીને મચ્છી વેચવાની ફરજ પડતી હતી. હવે નાની દમણ મચ્છી માર્કેટ ખાતે લીફટની વ્યવસ્થા પણ ઉભી થવાથી અમને અને ગ્રાહકોને પણ સુવિધા થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
નવી મચ્છી માર્કેટના નિર્માણથી ગ્રાહકોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી હોવાથી માછીમાર બહેનોએ મોદી સરકારનો ખૂબ જ આભાર પણ પૂર્વ સાંસદશ્રી ગોપાલ દાદા સમક્ષ પ્રગટ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ (દાદા)ના કાર્યકાળમાં દેવકા બીચ, મીરાસોલ લેક ગાર્ડન તથા કચીગામ દમણગંગા ઉદ્યાનનો આરંભ કરાયો હતો. શ્રી ગોપાલ દાદાના સાંસદ કાળને આજે પણ લોકો યાદ કરે છે અને તેમણે લોકો પ્રત્યે રાખેલી સહાનુભૂતિની પ્રશંસા કરતા પણ નજરે પડે છે.