(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસ ખાતે જિ.પં.નાસભાખંડમાં આજે પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાની અધ્યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિ.પં. ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરુણ ગુપ્તા, જિલ્લા પંચાયત અધિકારી શ્રી પંકજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં જન પ્રતિનિધિઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ગ્રામ પંચાયત વિસ્તારોમાં સાફ-સફાઈ કરવા, વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ પેન્સન યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, પીડબ્લ્યુડી દ્વારા સ્પિલ ઓવર અને હાથ ધરવામાં આવનાર નવા કામોની સમીક્ષા અને જિલ્લા પંચાયતને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. દરમિયાન અગાઉની સામાન્ય સભાના મુદ્દાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આજે મળેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સભ્યો દ્વારા જિલ્લા પંચાયત હસ્તક કામ કરતા 400 જેટલા કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમના પગારમાં પુનઃ વધારો કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તાને ખાસ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાપંચાયતના સભ્યો, સરપંચો સહિત પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.