હવે દાનહ-દમણ-દીવની સરકારી હોસ્પિટલો સહિત પડોશના રાજ્યોની અન્ય હોસ્પિટલોમાં પણ કોઈપણ પ્રકારના રેફરન્સ લેટર વગર સારવારની સુવિધા મળશેઃ ડો. વી.કે.દાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2024થી શરૂ કરી દેવામાં આવી છે. સંઘપ્રદેશના આરોગ્ય સલાહકાર અને અતિરિક્ત સી.ઈ.ઓ. ડો.વી.કે.દાસે માહિતી આપતાં જણાવ્યું છે કે, છેલ્લાં કેટલાક વર્ષથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સફળતાપૂર્વક લાગૂ છે. ભારત સરકાર દ્વારા આ યોજનાના લાભ માટે કેટલાક નિયમો લાગુ કરેલ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા એમાં વધારો કર્યો છે. હવે આ યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં અંદાજીત 47,500 પરિવારોનું ઓટો રીન્યુઅલ કરી તેઓનું પ્રીમિયમ સ્થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા ભરી દેવામાં આવ્યું છે.
માપદંડો પ્રમાણે અલગ અલગ રજીસ્ટ્રેશન ફી ભરી મફત ઇલાજનો લાભ મળી શકે છે. અગાઉ આ યોજના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાંથી જે દર્દીઓને મોકલવામાં આવતા હતા ફક્ત તેઓ જ પ્રદેશ બહારની ખાનગી હોસ્પિટલોમાં સારવારનો લાભ મેળવતા હતા. પરંતુ હવે સંઘપ્રદેશના તમામ લાભાર્થી દર્દીઓને પણ પ્રદેશ બહારની હોસ્પિટલોમાં ઉપચારની સુવિધા મળી શકશે.