સંઘપ્રદેશ પ્રશાસન ઉભરતા કલાકાર અશ્વિનભાઈ ચીબડાને યોગ્ય પ્લેટફોર્મ આપી આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી યુવાનોને પ્રોત્સાહિત કરે એવી જાગેલી અપેક્ષા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી આદિવાસી બહુલ વસતી ધરાવતો પ્રદેશ છે અને પ્રદેશના આદિવાસી યુવક-યુવતિઓ વિવિધ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. જેમાં કલા ક્ષેત્રે પણ યુવાઓ ઉત્કૃષ્ટ યોગદાન પુરૂં પાડી રહ્યા છે જેમાં દાનહના અંતરિયાળ વિસ્તાર એવા ચિસદા ગામના ગરીબ પરિવારના નવયુવાન શ્રી અશ્વિનભાઈ ચીબડા (ઉ.વ.22) નજીકના ગામની સરકારી શાળામાં ભણવા સાથે જ નાનપણથી ચિત્રો દોરવા, રંગો પુરવા, પીંછીથી રંગબેરંગી આકર્ષક બેનમૂન દ્રશ્યોની કળાકારી કરવી તેમના મનમાં કલ્પનાઓ કરવાની ખુબ ગમતી.
શ્રી અશ્વિનભાઈ ચીબડાએ ખાનવેલથી ધોરણ બાર પાસ કર્યા બાદ નવસારી ખાતે ચિત્રકામ આર્ટનો અભ્યાસ કર્યો, તે સમયે તેઓને ભણવામાં ઘણી જ તકલીફો વેઠવા પડી. છતાં પણ હિંમત હાર્યા વિના પોતાના ધારેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા દિન-રાત સખત મહેનત કરી આગળ આવ્યા છે.
શ્રી અશ્વિનભાઈ ચીબડાનાપરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, દરમિયાન તેઓને અભ્યાસ દરમ્યાન ક્યારેક બેટંક ભોજન માટે, સારા કપડાં ખરીદવા માટે ભારે તકલીફો વેઠવા પડી હતી. તેમને વિવિધ પ્રોજેક્ટ બનાવવા કોમ્પ્યુટર કે લેપટોપની જરૂર હતી, પરંતુ તેઓની પરિસ્થિતિ એવી ન હતી કે તેઓ સારો એન્ડ્રોઇડ મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદી શકે. જેથી તેઓ એમના મિત્રોનો સહયોગ લેતા હતા. તેમણે જેમ તેમ સંઘર્પપૂર્ણ ભણતર પૂર્ણ કર્યું, અને હવે તેઓએ પોતાના ઘરે જ પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું છે. ગરીબ આદિવાસી પરિવારના નવયુવાન શ્રી અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્ય નિખારતા પેઇન્ટિંગમાં સરસ મજાના સુંદર વારલી પેઈન્ટિંગ, કુદરતી સૌંદર્ય, વિવિધ દેશભક્તો, નેતાઓ સહિત કેટલાય પ્રકારના મનોરમ્ય ચિત્રો બનાવી રહ્યા છે અને પોતાની કલા કારીગરીને પ્રગટ કરી રહ્યા છે.
પ્રદેશના આવા પ્રતિભાવાન યુવાઓને પ્રશાસન દ્વારા પણ યોગ્ય અને જરૂરી તમામ પ્રકારનું મદદ તથા પ્રોત્સાહન આપી આગળ કરવાનો અને દેશ માટે કંઇક કરી છૂટવાનો મોકો આપવામાં આવે તો અન્ય કેટલાય યુવાઓ પણ પોતાની પ્રતિભા નિખારે અને ‘આત્મનિર્ભર ભારત’ને પણ બળ મળી શકે છે.