January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘મોદીની ગેરંટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરંટી છેઃ વડાપ્રધાન

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
◆ ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ
◆ સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે
◆ પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના નવા અવસરો લઈને આવ્યો છે.
◆ ‘મોદીની ગેરન્ટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરન્ટી છે
◆ કાકરાપાર અણુમથકમાં ૭૦૦- ૭૦૦ મેગા વોટના બે નવા રિએક્ટર સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી નિર્માણ પામ્યા: ‘મેડ ઈન ઈન્ડિયા’નું તાદ્રશ્ય ઉદાહરણ
◆ પરિવારવાદ નહીં, પરંતુ પ્રતિભાને પ્રોત્સાહન આપવું એ અમારી કાર્યશૈલી
◆ સરકારે માત્ર દસ વર્ષમાં જ ૪ કરોડથી વધુ પાકા મકાનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપ્યા: ભારતને ૧૧માં ક્રમેથી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી

આઝાદી બાદ પ્રથમવાર એક જ દિવસે રૂ. ૫૭,૮૧૫ કરોડના વિકાસના કામોની ભેટ મળી હોય એવો ઐતિહાસિક અવસર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે વિકસિત ભારત ૨૦૪૭ને અનુરૂપ પોતાનું વિઝન તૈયાર કરી વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આગળ વધી રહ્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

• NHAI દ્વારા રૂ.૧૦,૦૭૦ કરોડથી વધુના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક ભાગનો પ્રારંભ

• સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૪૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમૂહુર્ત
• રેલવે વિભાગના પણ રૂ.૧૧૦૦ કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમૂહુર્ત
• વાંસીબોરસીમાં નિર્માણ પામનાર PM મિત્ર (મેગા ટેક્સટાઈલ પાર્ક) ની કામગીરીનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.22: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રાજ્યના દક્ષિણ ઝોનના વિવિધ જિલ્લાઓમાં જનસુવિધા અને સુખાકારી વધારતા કુલ રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે, એટલે તેમનું સશક્તિકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે. હવે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત વર્ગોને કલ્યાણ યોજનાઓના લાભો અને વિકાસના ફળો મળવાની આશા જાગી છે.
વડાપ્રધાનશ્રીએ રૂ.૨૨,૫૦૦ કરોડથી વધુનાં ખર્ચે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટના યુનિટ-૩ અને ૪નું લોકાર્પણ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનાં કાર્યો, માર્ગ અને મકાન વિભાગના રૂ.૨૦૦૦ કરોડના વિકાસ કાર્યો, ભારતીય રેલવેના રૂ. ૧,૧૦૦ કરોડના કામો, સુરત મહાનગર પાલિકા, SUDA અને ડ્રીમ સિટીના રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનાં કાર્યો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં રૂ.૫૦૦ કરોડના કામો, જળ સંપત્તિ વિભાગના રૂ. ૩૦૦ કરોડ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રૂ. ૧૦૦ કરોડ, પાણી પુરવઠા વિભાગના રૂ. ૫૦૦ કરોડ, આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૦૦ કરોડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રૂ. ૭૫ કરોડ, ગૃહ વિભાગનાં રૂ. ૨૦૦ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૯૦૦ કરોડ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. ૪૦૦ કરોડથી વધુનાં કાર્યો મળી કુલ રૂ.૪૪,૨૧૬ના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસીમાં નિર્માણ પામનાર PM મિત્ર (મેગા ટેક્સટાઈલ પાર્ક) ની કામગીરીનો પ્રારંભ પણ કરાવ્યો હતો.
વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃત્તકાળના સંકલ્પને સાર્થક કરતાં કુલ રૂ.૪૪,૨૧૬ ના માતબર વિકાસકાર્યોની ભેટ આપતા વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, અમારી સરકારે છેલ્લા દસ વર્ષમાં જ ૪ કરોડથી વધુ પાકા મકાનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપ્યા છે. ભારતને ૧૧માં ક્રમેથી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. સરકારના અનેકવિધ કાર્યો, કાર્યક્રમો, યોજનો, નીતિઓ અને કામગીરીથી વિશ્વમાં ભારતનો માન મરતબો અને શાખ વધી છે, પરિણામે ભારતને જોવાની, આકલન કરવાની વિશ્વની દ્રષ્ટિમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે.
વડાપ્રધાનશ્રીએ ‘મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટીની પૂરી થવાની ગેરન્ટી’ એવો વિશ્વાસ અપાવતા ઉમેર્યું કે, ‘મોદીની ગેરન્ટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરન્ટી છે.
વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાતના યોગદાનની સરાહના કરતા તેમણે કહ્યું કે, ભૂતકાળની સરકારોના શાસનમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજોનું નિર્માણ એ સ્વપ્નવત હતું. પણ આજે ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટામાં મેડિકલ કોલેજોની ઉપલબ્ધતા સહિત કરોડોના વિકાસપ્રકલ્પોની હારમાળા સર્જાઈ છે અને આદિવાસીઓમાં ઉર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે.
ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ પહેલા વીજળીના સંકટની સ્મૃતિ તાજી કરતા તેમણે કહ્યું કે, એ સમયે ગુજરાતમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતી હતી. અંધારપટ છવાતા સર્જાતી અનેક મુશ્કેલીઓથી જનતા ત્રસ્ત હતી. પરંતુ અશક્યને શક્ય કરવાની હામ સાથે અવિરત મહેનત તેમજ હકારાત્મક નીતિઓ ઘડીને ગુજરાતમાં પવન ઊર્જા, સૌર ઊર્જા, પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અવ્વલ ક્રમે પહોંચાડ્યું અને પરિણામે હવે રાજ્યમાં વીજળી સંકટ ભૂતકાળ બન્યું છે.
વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વિકાસનું અનેરૂ યોગદાન રહેશે એવી ભાવના વ્યક્ત કરી નવસારીના દાંડી સ્મારક, નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રકલ્પો ગુજરાતના સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ સાહેબના દેશ પ્રત્યેના પ્રદાનને સાચી અંજલિ હોવાનું જણાવી વિપક્ષો દ્વારા ભૂલાવી દેવાયેલા ખાદી અને નમકના પ્રતિકોને સન્માન આપવા સરકારના પ્રયાસોની છણાવટ કરી હતી.
તેમણે કહ્યું કે, તાપી જિલ્લામાં કાકરાપાર અણુમથકમાં ૭૦૦- ૭૦૦ મેગા વોટના આજે લોકાર્પિત થયેલા બે નવા રિએક્ટર ‘મેડ ઈન ઈન્ડિયા’ની ફળશ્રુતિ છે, જે ભારતની આત્મનિર્ભરતા અને સ્વદેશી ટેકનોલોજીની શક્તિ-ક્ષમતા દર્શાવે છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની સંકલ્પનાને સાર્થક કરવા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થવાની કાર્યપદ્ધતિથી વિકાસકામો પૂર્ણ કરી જનસુખાકારી, નાગરિકોના પ્રશ્નોના ઉકેલ લાવીને તેને પૂરા કરવાની અમારી નેમ છે.
વડાપ્રધાનશ્રીએ વાંસી બોરસીમાં નિર્માણ પામનાર પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના નવા અવસરો લઈને આવ્યો છે એમ જણાવી ઉમેર્યું કે, ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ સિદ્ધ કરશે.
ઉપરાંત, ૩૦૦૦ કરોડના રોકાણ સાથે ટેક્ષટાઈલની સેકટરમાં પ્રોડક્શનથી સપ્લાઈ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઈનનું નિર્માણ કરશે, ત્યારે સુરતના ડાયમંડ અને હવે નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે એમ તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું. તેમણે પરિવારવાદ નહીં, પરંતુ પ્રતિભાને પ્રોત્સાહન આપવું એ અમારી કાર્યશૈલીથી આ પ્રકારના અનેકવિધ પ્રકલ્પો દેશની વિકાસને નવી ઊંચાઈ બક્ષી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં એક જ દિવસમાં રૂ. ૫૭,૮૧૫ કરોડના વિકાસના કામોની ભેટ મળી હોય તેવો આજે ઐતિહાસિક અવસરના આપી સૌ સાક્ષી બન્યા છે. સામાન્ય માણસનો વિકાસ એ મોદીનું કમિટમેન્ટ છે.એમ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતને આજે રૂ. ૪૪૨૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. એ વિકાસની પ્રતિબધ્ધતાનું પરિણામ છે એમ જણાવી મુખ્યમંત્રીએ જે કરવું તે કહેવુંની કાર્ય સંસ્કૃતિને વિકસાવીને દુનિયાને વિકાસની રાજનીતિ બતાવી છે. પહેલાના સમયમાં એક દાયકામાં જેટલા રૂપિયા વિકાસના કાર્યો માટે ફાળવાતા ન હતા તેટલા આજે એક દિવસમાં ફાળવાય રહ્યા છે. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં લોકોને વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. આજે જન જનમાં વિશ્વાસ છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિકાસના પર્યાયને આગળ વધારી રહી હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે, “મોદી હે તો મુમકીન હે.” આજે ભારત વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. અયોધ્યામાં મંદિર એ વિરાસતથી વિકાસની યાત્રા છે. સરકારની કલ્યાણકારી યોજનાના લાભો લોકોને ઘર બેઠા મળી રહ્યા છે. આદિવાસી બાળકો શિક્ષણથી સજ્જ થઈ વિશ્વબંધુ બની રહ્યા છે. સુરત શહેરની વિકાસગાથા વર્ણવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત શહેર રૂ. ૫૦૪૧ કરોડના વિકાસના કામો સાથે “ઇઝ ઓફ લિવિંગ” બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશમાં પ્રથમ ક્રમે આવી “સુરત સોનાની મુરત” કહેવતને સાબિત કરી છે.
વર્ષ ૨૦૪૭ માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે વર્ષ ૨૦૪૭ને અનુરૂપ પોતાનું વિઝન તૈયાર કરી વર્લ્ડ કલાસ ઈન્સફરાષ્ટ્રક્ચર સાથે આગળ વધી રહ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દશેય દિશામાં ભારત વિકાસના પરચમ લહેરાવશે એની ગેરેન્ટી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે એવી નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
પ્રારંભે સ્વાગત પ્રવચન કરી વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને દક્ષિણ ગુજરાતમાં આવકારતા સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, વિકાસ પુરૂષ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮૦ કરોડ નાગરિકોને નિઃશુલ્ક અન્ન પૂરું પાડ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ખેડુતો, મધ્યમ વર્ગ, ગરીબ સહિતના તમામ લોકોના કલ્યાણ માટે સરકાર કાર્ય કરી રહી છે. દેશનો યુવાન સ્વાવલંબી અને નોકરી આપનાર બને તે માટે લોનરૂપી ગેરંટી વડાપ્રધાને આપી છે. ખેડુતોને દર વર્ષે રૂ. ૬ હજાર સીધા તેમના ખાતામાં આપીને ખેડુતોના હિતોની રક્ષા કરી છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશીપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ ભગીરથ કાર્ય થયું છે. દેશના નાગરિકોને વિનામૂલ્યે રસીકરણ કરીને સૌને સુરક્ષિત બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૪૪ હજાર કરોડના વિકાસકાર્યોનું રિમોટ દ્વારા વિધિવત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષોલ્લાસ અને તાળીના ગડગડાટ સાથે વધાવી લીધુ હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને ગાંધીજીની પ્રતિમા અને વડાપ્રધાનશ્રીને અયોધ્યા મંદિરની ૫ કિલો ચાંદીથી બનાવાયેલી પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસદ તેમજ પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રધાનમંત્રીશ્રીનું ફુલહાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરાયું હતું. ગુજરાતના મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને અધિક મુખ્ય સચિવશ્રી એસ.જે.હૈદરે પણ વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. વિવિધ વિકાસ કાર્યોની દસ્તાવેજી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઈ, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ કે.સી.પટેલ અને પ્રભુ વસાવા, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, સુરતના મેયર દક્ષેશ માવાણી, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા, સુરત મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, સુરત મનપાના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો, આસપાસના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

Leave a Comment